આસ્વાદ પાન પાસેનો રોડ પણ બંધ હોવાથી ટ્રાફિક સમસ્યા ગંભીર બનશે તેવી ટ્રાફિક શાખાની સલાહ બાદ મહાપાલિકાએ વારા ફરતે રોડનું કામ શરૂ કરવાનું નક્કી કર્યુંમોરબી : મોરબી મહાપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલથી ભવાની બેકરી સુધીનો રોડ નવો બનાવવા માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને આ રોડનું કામ શરૂ કરવાની તૈયારી કરી હતી. જો કે અયોધ્યાપુરી રોડ આસ્વાદ પાન પાસેનો રોડ બંધ હોય અહીં ટ્રાફિક સમસ્યા વિકરાળ બને તેવી ભીતિ હોવાથી આ નવા રોડનું કામ મુલતવી રાખવામાં આવ્યું છે.મોરબીમાં સામાકાંઠે જવા માટે મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલથી નગર દરવાજા પોલીસ ચોકી થઈ ભવાની બેકરી સુધીનો રોડ સી.સી.રોડ કરવાનો હોવાથી એક માસ સુધી વાહનોની અવરજવર બંધ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જો કે આ મામલે ટ્રાફિક પીઆઇ એચ.વી. ઘેલા અને ટ્રાફિક પીએસઆઇ ડી.બી. ઠક્કરે ડેપ્યુટી કમિશનર, કાર્યપાલક ઈજનેર તેમજ મહાનગરપાલિકાના સ્ટાફ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. ટ્રાફિક શાખાએ જણાવ્યું હતું કે હાલ આસ્વાદ પાનથી જડેશ્વર મંદિર સુધીના રોડનું કામ એક માસ માટે ચાલુ છે. જેથી આ રોડ પહેલેથી જ બંધ કરવામાં આવ્યો છે. જેથી વધુ એક રોડ બંધ કરવામાં આવશે તો ટ્રાફિકની સમસ્યા વધવાની શક્યતા હોય તેવી સલાહ આપવામાં આવી હતી. જેથી મહાનગરપાલિકા દ્વારા હાલ પૂરતું આ રોડનું કામ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.