સાંજે 4થી 7 દરમિયાન પ્રતિકમણ : કાલે ઉપવાસીઓના પારણા કરાવાશેમોરબી : સિરામીક નગરી મોરબીમાં જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની આસ્થાભેર ઉજવણી થઇ રહી છે. પર્યુષણમાં યોગ્ય આચરણ, અહંભાવનો ત્યાગ, ધીરજ, સયંમ, જ્ઞાન મેળવવું, 24 તીર્થંકરોની સ્તુતિ કરવી, ગુરુવંદના કરવી અને પ્રતિક્રમણ જેવા મૂળભૂત વ્રતોનો વિશેષ મહત્વ હોય છે. મોરબીમાં પર્યુષણ પર્વમાં આજે સવંત્સરી સાથે પર્વની સમાપના થશે. જેમાં સાંજે 4 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ગુરુદેવોનું પ્રવચન સાંભળી જાણતા-અજાણતા થયેલા પાપ કર્મોનું પ્રાયશ્ચિત કરવામાં આવશે. સાથે જ આવતીકાલે કઠોર ઉપવાસની આરાધના કરનાર તપસ્વીઓના પારણાં કરાવવામાં આવશે.મોરબીના જૈન અગ્રણી ભાવેશભાઈ દોશીના જણાવ્યા મુજબ, મોરબીમાં જૈન સમાજની અંદાજે 4000 જેટલી વસ્તી છે. શહેરમાં જુદા-જુદા 7 દેરાસરો આવેલા છે. જેમાં મહાપર્વ પર્યુષણ નિમિતે જૈન સમાજ દ્વારા ત્યાગ, ધીરજ, સયંમ, જ્ઞાન, 24 તીર્થંકરોની સ્તુતિ અને ગુરુવંદના સહિતના વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા. પર્યુષણ પર્વના આજે આખરી દિવસે તમામ દેરાસરોમાં ગુરુદેવો દ્વારા પુસ્તક વાંચન સાથે જાણતા અજાણતા થયેલા પાપકર્મોના પ્રાયશ્ચિત માટે પ્રતિક્રમણ કરવામાં આવશે. સાથે જ આવતીકાલે તા.28 ઓગસ્ટના રોજ 30 દિવસ, 16 દિવસ તેમજ આઠ દિવસના ઉપવાસની તપ આરાધના કરનાર તપસ્વીઓના પારણા કરાવવામાં આવશે અને તા.29 ઓગસ્ટના રોજ ભગવાન શ્રી મહાવીરસ્વામીની રથયાત્રા યોજવામાં આવશે.