બંને માંગ નહીં સંતોષાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ મોરબી: મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી (AAP) દ્વારા શહેરના નાના વેપારીઓના હિત અને માર્ગ સલામતીના મુદ્દે વહીવટી તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પાર્ટીએ બે મુખ્ય માંગણીઓ રજૂ કરી છે જેમાં રાત્રિના સમયે ચાલતા વ્યવસાયોને ચાલુ રાખવા દેવા અને બિસ્માર હાલતમાં રહેલા નવલખી રોડનું તાત્કાલિક સમારકામ કરવા રજૂઆત કરાઈ છે. આપ દ્વારા રજૂઆતમાં જણાવ્યા અનુસાર, રાત્રિના સમયે નાના અને સામાન્ય ધંધાઓ જેવા કે ખાણીપીણી સાથે સંકળાયેલા વેપારો જે મોટા ભાગે મધ્યમ અને નાના ધંધાર્થીઓ ચલાવતા હોય છે. ત્યારે મોરબીમાં રાત્રિના 11-12 વાગ્યા બાદ પોલીસ દ્વારા ખાણી-પીણીના ધંધા બળજબરીથી બંધ કરાવવામાં આવે છે અને વેપારીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે. સરકારના પરિપત્ર મુજબ જણાવ્યું કે મહાપાલિકાના કેટલાક વિસ્તારો અને હાઈવે પર 24 કલાક વ્યવસાયની છૂટ છે, તેથી મોરબીના વેપારીઓને પણ આ છૂટ મળવી જોઈએ. આ ઉપરાંત, પાર્ટીએ નવલખી રોડની દયનીય હાલત અંગે પણ રજૂઆત કરી હતી. આ રોડનો ઉપયોગ કોલસા ભરેલા ટ્રકો અને આસપાસના ૨૫ જેટલા ગામોના લોકો કરે છે. ત્યારે રસ્તા પર મોટા ખાડાઓ પડી ગયા છે. તેથી વારંવાર અકસ્માતો સર્જાય છે, જેના કારણે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે અને જીવ પણ ગુમાવે છે. પાર્ટીએ તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરવા માંગ કરી છે. તેમજ આ બંને માંગ નહીં સંતોષાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.