મોરબી : મોરબીના શિવ ભક્ત એવા કાનજીભાઈએ પોતાની શ્રધ્ધા અને ભક્તિના જોરે પથ્થરો કોતરીને જાતે જ 12 જ્યોતિર્લિંગ બનાવ્યા છે. આ જ્યોતિર્લિંગના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. આ જ્યોતિર્લિંગના નિર્માણ અંગે કાનજીભાઈએ જણાવ્યું કે, અમુક પથ્થરો તેઓ લઇ આવ્યા હતા જ્યારે અમુક પથ્થરો મિલમાંથી જે હારિદ્વારથી આવે છે તેમાંથી લઈ આવ્યા હતા. જે બાદ દરેક જ્યોતિર્લિંગના આકાર પ્રમાણે આ પથ્થરોને આકાર આપવામાં આવ્યો હતો. તેમને વધુમાં જણાવ્યું કે, દરેક લોકો 12 જ્યોતિર્લિંગના દર્શન માટે ન જઇ શકતા હોય ત્યારે તેમના માટે આ જ્યોતિર્લિંગનું નિર્માણ કરવામાં આવ્યું. તેમજ તેઓ પોતે મહાદેવના ભક્ત હોવાથી તેમને આ જ્યોતિર્લિંગના નિર્માણ અંગે પ્રેરણા મળી હતી. આ જ્યોતિર્લિંગની આબેહૂબ આકૃતિ બનાવવા મોબાઈલ અને ફોટોની મદદ લેવામાં આવી હતી. ત્યારે જે લોકો જ્યોતિર્લિંગના દર્શન કરવા સ્થાન પર જઈ નથી શકતા તેમના માટે આ ખાસ જ્યોતિર્લિંગનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું કાનજીભાઈએ જણાવ્યું હતું.