બધા રમકડાંમાં ઢોલક એ એક એવી વસ્તુ છે, જે બાળપણની યાદોને તાજી કરે છેઃ કારીગરમોરબી : લોકમેળાઓ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાઓનું જીવંત પ્રતિબિંબ હોય છે, જે લોકોને મનોરંજન, ખરીદી અને સાંસ્કૃતિક અનુભવોની સાથે રોજગારીની તકો પણ પૂરી પાડે છે. રોજી-રોટીની દૃષ્ટિએ આ મેળાઓ અનેક લોકો માટે આજીવિકાનું મહત્વનું સાધન બની રહે છે. હજારો પરિવાર પોતાની પેટની જઠરાગ્નિ ઠારવા પોતિકી પૌતુક કલાને સહારે સિમાડા અને રાજ્યોની સરહદ વટાવી જીવન નિર્વાહ કરે છે. મોરબી શહેરમાં કંડલા રોડ ઉપર રાજસ્થાનના જયપુરનો 40 જેટલા લોકોનો કબિલો બાપ દાદા વખતથી ઢોલકના વ્યવસાય સાથે સંકળાયેલ છે. ઢોલક બનાવવાની હસ્તકલા થકી અનેક પેઢી પોતાનું જીવન નિર્વાહ કરે છે. કબિલાના વયોવૃદ્ધ કૌસમઅલી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, નાનપણથી પેઢીની પરંપરામાં અમારા બાળકો પારંગત થાય છે. અગાઉ કલાપ્રેમી માટે લાડડાની ઢોલક અને સાંજ તૈયાર કરતા પરંતુ સમયની સાથે તાલ મિલાવતા પુઠા અને લેધર થકી સસ્તી રમકડાની ઢોલક જાતે બનાવી મેળાઓ, શહેરની ગલીઓ, મહોલ્લામાં વેચવાનો અમારો નિત્યક્રમ બની ગયો છે.બીજા પરિવારના મોભી જમાલભા કહે છે કે, માનવ મહેરામણ મેળામાં મોજથી આવે છે અને અમે તો ગુજરાતના લગભગ બધા મેળાઓ જેમાં કાલાવડ, રાજકોટ, મોરબી, જડેશ્વર, રણુજા, તરણેતર, માતાનામઢ, સાતમ આઠમ ગામડાની સ્થાનિક બજારો ધુમીને છેક દિવાળી સુધી અહીથી ત્યાં ધુમતા રહીએ છીએ. જેમાંથી અમારા પરિવારનું ગુજરાન ચાલે છે. બચ્ચા માટે મજો મજો કરાવી અમે ખુશ રહીએ છીએ.તો અન્ય ઢોલક બનાવનાર સુલતાનભાઈ અને અલિખાનને પરિવારની તકલીફ અને રહેવા સુવા સહિતની પ્રાથમિક સુવિધા વિશે પુછતા જણાવ્યું હતું કે, સગવડ અગવડને સમજવા માટે ક્યારેય સમય મળ્યો નથી. જ્યા રોકાણ કર્યું ત્યાં જ મહેલ, ઉપર આકાશ નીચે ધરતી, પીવા પાણી ને રાંધવા લાકડા આથી વિશેષ અપેક્ષાથી કાયમ દુઃખ રહે માટે અમારે જીવનમાં જલસા કરી રોજીરોટી માટે રઝળપાટ કરીએ છીએ.અન્ય પરિવારના વિજયભાઈએ જણાવ્યું હતું કે, મેળામાં રમકડાંના ઢોલક અમારા માટે આજીવિકાનું આયામ છે. બધા રમકડાંમાં ઢોલક એ એક એવી વસ્તુ છે, જે બાળપણની યાદોને તાજી કરે છે. ઢોલક બનાવવાની કળા ભારતની પ્રાચીન હસ્તકળાઓમાંની એક છે, અને આ કામગીરીમાં રોકાયેલા અનેક પરિવારો દેશભરમાં જોવા મળે છે. આ પરિવારો પેઢીઓથી આ પરંપરાગત કારીગરીને જીવંત રાખે છે, જેમાં ઢોલક બનાવવી અને વેચવાનો વ્યવસાય અમારી આજીવિકાનો મુખ્ય આયામ છે ઢોલક બનાવવાની કળા પેઢી દર પેઢી ચાલી આવે છે. અમારા બાળકો નાનપણથી જ આ કળા શીખે છે. લાકડું, ચામડું, દોરડાં અને પેઇન્ટ જેવી ચુનિંદા સામગ્રીનો ઉપયોગ કરી છીએ ઢોલક બનાવતા આ પરિવારો કહે છે કે, ખાસ કરીને લોકમેળા, નવરાત્રી, ગણેશ ચતુર્થી અને દિવાળી જેવા તહેવારો દરમિયાન ઢોલકની માંગ વધે છે. આ પરિવારોને આધુનિક સમયમાં ઘણા પડકારોનો સામનો કરવો પડે છે, જેમ કે ઓનલાઈન બજારમાં સસ્તા વિકલ્પોની હરીફાઈ અને ગ્રાહકો દ્વારા સોદાબાજી. કૌસમઅલી કહું કે આ વ્યવસાયમાં નફો ઓછો થઈ રહ્યો છે, અને તેમને યોગ્ય વળતર મળતું નથી. ઢોલક બનાવવા માટે વસ્તુનો ખર્ચ વધી ગયો છે અને વેચાણ કિંમત વર્ષોથી એ જ છે. ખરેખર ઢોલક બનાવવામાં લાકડાનો કોઠો, ભેંસ કે બકરાનું ચામડું, અને સૂતરની દોરીઓનો ઉપયોગ થાય છે. નર અને માદા બાજુની પડીઓ જુદા જુદા ચામડાથી બનાવવામાં આવે છે, જેમાં નર બાજુ માટે ભેંસનું ચામડું અને માદા બાજુ માટે બકરાનું પાતળું ચામડું વપરાય છે. પરંતુ હાલે છોકરાને ખુશ કરવા માટે કામચલાઉ ઢોલકની ડિમાન્ડ થતા પુઠા અને રેકજીન થકી રૂપિયા 100 થી 400 સુધીના ઢોલક વેચાઈ છે. જ્યારે લાકડાના ઢોલક એક હજારથી શરૂ થાય છે. છતાં પણ અમારા માટે તો આજ જિંદગીનું પરમ સત્ય છે.