ટાઇલ્સ, સેનિટરી વેર અને અન્ય સિરામિક ઉત્પાદનો લક્ઝુરિયસ નહિ જીવન જરૂરિયાતની વસ્તુ મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જીએસટીના બે જ સ્લેબ કરી અનેક ચીજવસ્તુઓ 18 ટકાના દાયરામાં લેવા જાહેરાત કરી છે ત્યારે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા સિરામિક ટાઇલ્સ સહિતની પ્રોડક્ટ ઉપર લાગતો 18 ટકા જીએસટી ઘટાડી 5 ટકા કરવા માંગ ઉઠાવી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને રજૂઆત કરી છે.લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા કરવામાં આવેલ રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સિરામિક ઉત્પાદન ક્લસ્ટર છે, તેમાં ૯૦૦થી વધુ એકમો આવેલા છે, જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૧૦ લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. આ ઉદ્યોગ ભારતીય અર્થતંત્રમાં એક મહત્ત્વનો ભાગ ભજવે છે, જેનું વાર્ષિક ટર્નઓવર ₹૭૦,૦૦૦ કરોડથી વધુ છે અને નિકાસ ટર્નઓવર ₹૧૫,૦૦૦ કરોડથી વધુ છે. આ ઉપરાંત ટાઇલ્સ ના વિકલ્પમાં માર્બલ ઉપલબ્ધ હોય છે જે ટાઈલ્સ કરતા 40 થી 60 % મોંઘો છે. આ સિવાય ટાઇલ્સ નો બીજો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. સાથે જ ટાઇલ્સ અને સેનિટરી વેર જેવી વસ્તુઓ હવે લક્ઝરી નહીં, પરંતુ સામાન્ય લોકો માટે એક આવશ્યક જરૂરિયાત છે. ભારતના ૯૦% થી વધુ લોકો ગરીબ અને મધ્યમ વર્ગના છે, જેમના માટે ઘર બનાવવું એક સ્વપ્ન હોય છે. જો જીએસટી ઘટાડવામાં આવે, તો મકાન બાંધકામનો કુલ ખર્ચ ૭-૮% જેટલો ઓછો થઈ શકે છે. આ પગલું લાખો પરિવારોને તેમના સ્વપ્નનું ઘર બનાવવામાં મદદરૂપ થશે અને 'પ્રધાનમંત્રી આવાસ યોજના' જેવી સરકારી યોજનાઓને પણ વેગ આપશે.મોરબીના સિરામિક ઉદ્યોગો મોટાભાગે MSME (Micro, Small, and Medium Enterprises) કેટેગરીમાં આવે છે. આ ઉદ્યોગો ખૂબ પાતળા નફાના માર્જિન પર કાર્ય કરે છે. જીએસટીમાં ઘટાડો આ ઉદ્યોગોને વધુ સશક્ત બનાવશે અને તેમની સ્પર્ધાત્મકતા વધારવામાં મદદ કરશે. કેન્દ્ર સરકાર આ રજૂઆતને અંગે ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.