19 વર્ષથી ગણેશોત્સવના સફળ આયોજન બાદ 20માં વર્ષમાં મંગલ પ્રવેશ: ત્રણ મહિનાથી લગભગ 50થી 60 જેટલા સ્વયંસેવકોની અથાગ મહેનત દ્વારા ભવ્ય આયોજન કરાયું મોરબી: મોરબીમાં છેલ્લા 19 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરતા પટેલ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન રામેશ્વર ફાર્મ ખાતે રવાપર ધુનડા રોડ પર, ક્રિષ્ના સ્કૂલથી આગળ અને નવજીવન સ્કૂલ પહેલા કરવામાં આવ્યું છે. જેમાં ગણેશજીનું સ્થાપન 27 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. ત્યારબાદ દરરોજ સાંજે 7 વાગ્યે અને રાત્રે 9 વાગ્યે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશજીનું વિસર્જન 6 સપ્ટેમ્બરના રોજ થશે, અને તે દિવસે બપોરે 12 વાગ્યે મહાઆરતી પણ યોજાશે.આ વર્ષે 20મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા આયોજકોએ ગણેશ ભક્તો માટે પાર્કિંગની પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે. જેમાં ખાસ પાર્કિગની સુચારૂ વ્યવસ્થા કરાઈ છે. જેથી ભક્તોને કોઈ અગવડતા ન પડે તેની તકેદારી રાખવામાં આવી છે. પટેલ ગ્રુપ દ્વારા દર વર્ષે એક સારા સંદેશ સાથે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. ગયા વર્ષે 'ચારધામ અને જ્યોતિર્લિંગ'ની થીમ બાદ આ વર્ષે પણ એક નવીન થીમનું આયોજન કરવામાં આવ્યું છે, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. જે નિહાળવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત, છેલ્લા ત્રણ મહિનાથી લગભગ 50થી 60 જેટલા સ્વયંસેવકો દ્વારા આ ઉત્સવને સફળ બનાવવા માટે ભારે મહેનત કરવામાં આવી રહી છે. ત્યારે આ ગણેશ ઉત્સવમાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્યો, સાંસદ સભ્યો, અને વિવિધ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. આ સાથે, સરકારના આદેશ મુજબ 'ઓપરેશન સિંદૂર' સંદર્ભે પણ વિશેષ આયોજન કરાયું છે. આયોજકો દ્વારા મોરબીની સર્વ ધર્મ પ્રેમી જનતાને આ ઉત્સવમાં ભાગ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.