માળિયા (મિયાણા) : સાર્વજનિક હાઈસ્કૂલ ખાખરેચી ખાતે આજે તા. 25 ઓગસ્ટ 2025ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખાખરેચીના સહયોગથી રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત “તમાકુ નિષેધ” વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને તમાકુના સેવનથી થતા નુકસાન અંગે જાગૃત કરવાનો હતો.આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચીમાંથી કૈલા પ્રદીપભાઈ (CHO), વાઘેલા મહેશભાઈ (MPHW) તથા પરમાર નીતિનભાઈ (MPHW) ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં કુલ 41 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમાંના પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફથી સ્કૂલ બેગ, પાણીની બોટલ, લંચ બોક્સ અને પેડ જેવી ઉપયોગી ભેટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે ફૂલ સ્કેપ બુક આપવામાં આવી હતી.આ કાર્યક્રમ દરમ્યાન મહેશભાઈ વાઘેલાએ વિદ્યાર્થીઓને તમાકુના નુકસાન તથા ચોમાસાની ઋતુમાં થતા રોગો અને તેમાંથી બચવા માટેની જરૂરી તકેદારીઓ અંગે માર્ગદર્શન આપ્યું. તેમના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને આરોગ્ય અંગે ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત થયું. આ કાર્યક્રમના અંતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને સેન્ડવીચનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય મેહુલભાઈ ભોરણીયાએ વિદ્યાર્થીઓને વ્યસનથી થતા ગંભીર નુકસાન અંગે સમજાવ્યું તથા વ્યસનમુક્ત જીવન જીવવાની ટકોર કરી. સાથે જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં તમાકુ વિરોધી જાગૃતિ, સ્વસ્થ જીવનની પ્રેરણા અને સ્વચ્છ આદતો તરફ આગળ વધવાનો સંદેશ સફળતાપૂર્વક આપવામાં આવ્યો હતો.