અઠવાડિયામાં નિરાકરણ આવશે, મંગળવારે આ અંગે કલેક્ટર સાથે બેઠક યોજાશે: ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયામોરબી : મોરબીના બંધુનગર અને મકાનસર પાસે નેશનલ હાઇવે પર પાણીના નિકાલ બાબતે રહીશોએ ચક્કાજામ કર્યો હતો. જોકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ઘટના સ્થળે પહોંચીને સમસ્યાનું સમાધાન કરવાની ખાતરી આપતા આખરે બે કલાક બાદ ટ્રાફિકજામ દૂર થયો છે.આ અંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ અંગે કાયમી ઉકેલ આવે તે માટેના પગલા લેવામાં આવશે. હાલ મકનસર પાસે જે પાણી ભરાય છે તેના નિકાલ માટે એક્સલ સીરામીક પાસેનો જે વોકળો છે ત્યાં નવી ગટર લાઈન નાખીને પાણીનો નિકાલ કરવામાં આવશે. બંધુનગર પાસે જે પાણી ભરાય છે તેનો નિકાલ ઢુંવા તરફ જતો વોકળો છે તેમાં કરવામાં આવશે અને અઠવાડિયાની અંદર આ સમસ્યાનું નિરાકરણ થઈ જાય તેવી કામગીરી કરાશે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે આવતા મંગળવારે મોરબી જિલ્લા કલેકટર સાથે આ અંગે બેઠક કરીને કાર્યવાહી આગળ વધારવામાં આવશે. સાથે જ આ અંગે હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી અજય સ્વામી સાથે પણ ટેલીફોનિક વાતચીત કરવામાં આવી છે અને આ સમસ્યાનું ઝડપી નિરાકરણ થાય તેવા પ્રયત્નો હાથ ધરાશે.મહત્વનું છે કે, આજે સાંજે 4 વાગ્યાની આસપાસ મકનસર અને બંધુનગરના ગ્રામજનોએ નેશનલ હાઈવે પર સર્વિસ રોડ પર પાણીના નિકાલ બાબતે હાઇવે પર રસ્તો રોકીને ચક્કાજામ કર્યો હતો. જેના કારણે હાઇવેની બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ધારાસભ્યએ સમસ્યાનું સમાધાન કરવાની ખાતરી આપતા આખરે 2 કલાક બાદ ટ્રાફિકજામ દૂર થયો હતો અને વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ થયો હતો.