જીડીસીઆરના નિયમોનો ઉલાળિયો કરી થતા બાંધકામો ઉપર સજ્જડ બ્રેક લાગી : મહાપાલિકામાં બાંધકામ મંજૂરીની 46 અરજીમાંથી 16ને મંજૂરી : માર્જિન ન છોડતા 5 મંજૂરી ફગાવાઈમોરબી : મોરબી શહેરમાં નગરપાલિકાના શાસનકાળમાં બાંધકામ મંજૂરીની ઐસી તૈસી કરી વગર મંજુરીએ અનેક બાંધકામો ઉભા થઇ ગયા છે ત્યારે 1જાન્યુઆરી-2025થી મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવતા જ ગેરકાયદેસર બાંધકામો ઉપર સજ્જડ બ્રેક લાગી ગઈ છે. છેલ્લા સાત મહિનામાં મહાનગર પાલિકા સમક્ષ બાંધકામ પરવાનગી માટે 46 અરજી થઇ હતી જે પૈકી માત્ર 16 બાંધકામોને જ મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં ધાક બેસાડવા મોરબી મહાનગર પાલિકાએ મોટા બિલ્ડીંગ પ્રોજેક્ટ સહિત 140 અસામીઓને નોટિસ ફટકારી હોવાનું સામે આવ્યું છે.સીરામીક ઉદ્યોગ થકી વિશ્વભરમાં નામના મેળવનાર મોરબી શહેરમાં વિકાસ કુદકેને ભૂસકે આગળ ધપી રહ્યો છે પરંતુ શહેરમાં નાના-મોટા બિલ્ડીંગ પ્રોજેક્ટમાં બાંધકામ પરવાનગી મેળવવાની તસ્દી લેવાતી ન હોવાથી વિકાસની ગાડી આડે પાટે ચડી છે. જો કે, 01-01-2025થી મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો મળતા નગરપાલિકાના શાસનકાળમાં બાંધકામ પરવાનગીમા ચાલતી લાલીયાવાડી અટકી ગઈ છે. છેલ્લા સાત મહિનામાં જ મહાનગર પાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામો ઉપર ધોસ બોલાવી અત્યાર સુધીમાં 140 આસામીઓને નોટિસ ફટકારી ગેરકાયદેસર બાંધકામ અટકાવી દેવાની સાથે અનેક કિસ્સામાં આવા બાંધકામ સીલ પણ કરી દીધા છે.મહાનગર પાલિકાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ અત્યાર સુધીમાં કોર્પોરેશન સમક્ષ બાંધકામ પરવાનગી માટે કુલ 46 અરજીઓ થઇ છે. જેમાં 16 બાંધકામો નિયમ મુજબના હોય મહાનગર પાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. સાથે જ 5 બાંધકામમાં માર્જિન છોડવામાં ન આવ્યા હોવાથી આવા પ્લાન ના મંજુર કરવામાં આવ્યા હતા. એ જ રીતે 13 બાંધકામ પ્લાન ડીપીઆર બહાર વિસ્તારમા આવતા હોય આવા બાંધકામને મંજૂરી આપવામાં આવી નથી. સાથે જ હજુ 12 જેટલા બાંધકામ પ્લાન અંગેની કાર્યવાહી હાલમાં ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.ઈમ્પૅક્ટ ફીની 3000 જેટલી અરજીઓમાંથી 56 મંજુરમોરબી શહેરમાં ગેરકાયદેસર બાંધકામ રેગ્યુલાઇઝડ કરવા માટેની રાજ્ય સરકારની ઈમ્પૅક્ટ ફી યોજના અંતર્ગત નગરપાલિકા શાસન દરમિયાન 2400 જેટલી અરજી આવી હતી. જો કે, ઈમ્પૅક્ટ ફીની અરજી લેવાની કાર્યવાહી આગામી ડિસેમ્બર-2025 સુધી ચાલુ હોય અત્યાર સુધીમાં મહાનગર પાલિકાના શાસનમાં પણ 580 જેટલી અરજીઓ આવી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 56 અરજીઓ મંજુર કરવામાં આવી હોવાનું તેમજ નોન ડીપી વિસ્તારની 1800 જેટલી અરજીઓ દફ્તરે કરવામાં આવી હોવાનું સત્તાવાર રીતે મહાનગર પાલિકાએ જણાવ્યું હતું.આગામી 6 થી 7 મહિનામાં નવો ડીપીઆરમોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ નવા અનેક વિસ્તાર શહેરમાં ભળી ગયા છે. જો કે, હજુ સુધી શહેરનો ડીપીઆર બન્યો ન હોવાથી બાંધકામ પરવાનગીનો પ્રશ્ન ઉપસ્થિત થયો હોય મોરબીના બિલ્ડરો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને આ બાબતે રજુઆત કરવામાં આવી હતી. બીજી તરફ મોરબી મહાનગર પાલિકા દ્વારા હાલમાં નવા ડીપીઆરની કામગીરી જોરશોરથી ચાલુ હોય આગામી છ થી સાત મહિનામાં નવો ડીપીઆર તૈયાર થઇ જવાના સંકેત આપ્યા હતા.સનાતન ગ્રામ પ્રોજેક્ટના સીલ ખોલવા હાઇકોર્ટનો આદેશમોરબી શહેરમાં અનધિકૃત બાંધકામ વિરુદ્ધ મહાનગર પાલિકાએ તવાઈ ઉતારી કન્યા છાત્રાલય રોડ, દલવાડી સર્કલ અને રવાપર-શનાળા વચ્ચે આવેલ સનાતન ગ્રામ પ્રોજેક્ટને સીલ કરી કડક કાર્યવાહી કરી હતી જેમાં સનાતન ગ્રામ પ્રોજેક્ટના બિલ્ડરે હાઇકોર્ટના દ્વાર ખખડાવતા હાલમાં હાઈકોર્ટમાંથી સીલ ખોલવા માટે આદેશ કરી બિલ્ડરને રાહત આપી હોવાનું જાણવા મળે છે. જો કે, બિલ્ડરને આ બાંધકામ વેચાણ માટે મંજૂરી આપવામાં આવી ન હોવાનું પણ જાણવા મળે છે.શહેરમાં ક્યાં ક્યાં વિસ્તારમાં નોટિસો અપાઈ ? નોટિસ બાદ શું ?મોરબી શહેરમાં આમ તો મોટાભાગના તમામ વિસ્તારમાં નાના-મોટા ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ આપવામાં આવી છે જેમાં સૌથી વધુ ગરકાયદસેર હાઇરાઇઝડ બિલ્ડીંગ મામલે રવાપર વિસ્તારમાં 15, મહેન્દ્રનગરમાં 9 તેમજ મોરબી શહેરમાં બે સહિત 28 બાંધકામને નોટિસ આપવામાં આવી હોવાનું જુનિયર નગર નિયોજક શુભમ પટેલે જણાવ્યું હતું. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, નિયમ મુજબ ત્રણ નોટિસ આપવામાં આવે છે. જેમાં પ્રથમ નોટિસ બાદ બાંધકામ પરવાનગી લેવામાં આવે તો પછી વધુ નોટિસ નથી આપવામાં આવતી. જો બાંધકામ સંપૂર્ણ ગેરકાયદેસર હોય તો ડિમોલિશન કરવામાં આવતું હોવાનું તેમને ઉમેર્યું હતું.