સવારે 4 વાગ્યાથી પિતૃતર્પણ માટે લોકો ઉમટ્યા: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને ફાયરની ટીમો તૈનાત કરાઈ મોરબી: હિન્દુ ધર્મમાં શ્રાવણ માસની પૂર્ણાહુતિએ આવતી અમાસનું અનેરું મહત્વ છે. આ દિવસે પિતૃ તર્પણ, દાન-ધર્મ અને પૂજા-પાઠનું વિશેષ મહત્વ હોય છે. લોકો આ દિવસે પિતૃઓના મોક્ષ માટે તર્પણ કરે છે. ત્યારે આજે અમાસના પવિત્ર દિવસે મોરબી નજીક આવેલા પ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભાવિક ભક્તોનો પ્રવાહ જોવા મળ્યો હતો. સવારે ૪ વાગ્યાથી જ મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડ્યા હતા.મંદિર ખાતે પિતૃ તર્પણ માટે બે અલગ-અલગ પીપળા આવેલ છે, જેમાંથી એક સ્ત્રીઓ માટે અને એક પુરુષો માટે છે. શ્રદ્ધાળુઓ વહેલી સવારે મંદિરના કુંડમાં સ્નાન કરીને મહાદેવના દર્શન કરે છે, અને ત્યાર બાદ પિતૃઓના મોક્ષ માટે બંને પીપળે જળ અર્પણ કરી પ્રાર્થના કરે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને શ્રદ્ધાળુઓ તેમાં ગાઢ આસ્થા ધરાવે છે. મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ, સવારથી સાંજ સુધીમાં એક લાખથી વધુ લોકો દર્શન અને પિતૃ તર્પણ કરવા પહોંચે છે. અહીં અમાસ નિમિત્તે ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહોળી સંખ્યામાં લોકો આનંદ માણી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકોની અવરજવરને ધ્યાનમાં રાખીને, કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત, ફાયર વિભાગની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે. ખાસ કરીને પાણીના કુંડ પાસે અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી રહી છે. આમ અમાસના દિવસે રફાળેશ્વર મહાદેવ મંદિર પિતૃ તર્પણ, પૂજા-પાઠ અને મેળાના સમન્વય સાથે ભક્તિમય અને ઉત્સવમય વાતાવરણથી છલકાઈ રહ્યું છે.