જિલ્લા શિક્ષણ અધિકારીએ વિવિધ રજૂઆતો સાંભળી તમામનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી મોરબી: મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ ડો. અનિલભાઈ મહેતા અને મહામંત્રી મહેન્દ્રસિંહ ઝાલાએ આજે જિલ્લા શિક્ષણ અધિકારી મોતાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે શાળાઓને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆતો અને આ અંગે ચર્ચા કરી હતી. શાળા સંચાલક મંડળ દ્વારા શાળાઓને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપવા માટે સરકારના એન્જિનિયરો દ્વારા જ તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ શાળાઓમાં લાંબા સમયથી વર્ગ ૪ના કર્મચારીઓની ભરતી ન થઈ હોવાથી, આઉટસોર્સિંગ દ્વારા ભરતી કરવા માટે કાર્યવાહી કરવા જણાવાયુ હતું. આ ઉપરાંત શાળા રિપેરિંગ માટેની ગ્રાન્ટમાં જે શાળાઓ ૨૦% રકમ ભરી શકતી નથી, તેમના ફાળા માટે ધારાસભ્ય કે સંસદ સભ્યો દ્વારા અપાતી ગ્રાન્ટ માન્ય રાખવા રજૂઆત કરવામાં આવી. તેમજ રોસ્ટર રજીસ્ટર સમયસર અપડેટ ન થવાને કારણે શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરી શકાતી નથી, તેથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ તમામ મુદ્દાઓનું યોગ્ય નિરાકરણ લાવવા માટે ખાતરી આપી હતી.