મધ્યપ્રદેશના વતની ઢગાએ દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બની હતીમોરબી : મોરબી તાલુકામાં ખેત મજૂરી કરવા આવેલ મધ્યપ્રદેશના વતની શ્રમિક પરિવારની સગીરાનું બાઈક ઉપર અપહરણ કરી જઈ વારંવાર દુષ્કર્મ ગુજારી સગીરાને ગર્ભવતી બનાવનાર મધ્યપ્રદેશના 35 વર્ષના ઢગાને મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટે 20 વર્ષની કેદની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો હતો.આ કેસની વિગત જોઇએ તો વર્ષ 2019મા મૂળ મધ્યપ્રદેશના વતની અને તત્કાલીન સમયે કોટડા સાંગણી ગામના નાના માંડવા ગામે ખેતમજૂરી કરતા આરોપી પ્રેમસિંગ સોભાનભાઈ ભુરિયા ઉ.35 નામના શખ્સે મધ્યપ્રદેશથી મોરબી તાલુકામાં ખેત મજૂરી કરવા આવેલ શ્રમિક પરિવારની 15 વર્ષની દીકરીને બાઇકમાં બેસાડી ભગાડી ગયો હતો અને વારંવાર દુષ્કર્મ ગુજારી સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી. આ ઘટના અંગે ભોગ બનનાર સગીરાની મોટી બહેને તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.અપહરણ અને દુષ્કર્મની આ ઘટના અંગેનો કેસ મોરબીની ખાસ પોકસો અદાલતમાં ચાલી જતા અદાલતે દસ્તાવેજી અને મૌખિક પુરાવાઓ તેમજ સરકારી વકીલ નિરજભાઈ કારીયાની ધારદાર દલીલો ધ્યાને લઇ આરોપી પ્રેમસિંગ ભુરિયાને દુષ્કર્મ કેસમાં કસુરવાન ઠેરવી પોકસો અધિનિયમ અન્વયે 20 વર્ષની કેદ તેમજ 25 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.