મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટસ કોલેજ મોરબી ખાતે આજરોજ તારીખ 21-8-2025ના ઇનોવેશન ક્લબ અંતર્ગત વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી આચાર્ય ડો. રામભાઈ વારોતરીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.આ કાર્યક્રમના આરંભે ઇનોવેશન ક્લબના કો-ઓર્ડીનેટર એવા ડૉ. રાજપૂત સાહેબે ઇનોવેશન ક્લબની વિગતવાર માહિતી તેમજ ઉદ્યોગ સાહસિકતા દિવસ અંગેની, ઉદ્યોગો અંગેની જાણકારી વિદ્યાર્થી ભાઈ બહેનોને આપી હતી. ડો. નાજાભાઇ કોડીયાતરે IIC ક્લબ અંતર્ગત ઇનોવેશન કઈ રીતે થઈ શકે એ અંગે વિદ્યાર્થીઓને અનેક દ્રષ્ટાંતો દ્વારા સમજૂતી આપેલ અને સ્ટાર્ટઅપ કઈ રીતે કરી શકાય તે વાત વિગતવાર જણાવી. કાર્યક્રમના મુખ્ય વક્તા ડો. અતુલ ધ્રુવે ઉદ્યોગ સાહસિકતા અંતર્ગત તેમણે ગાંધીનગર કેસીજી ખાતે લીધેલી ટ્રેનિંગ બાબતે તેમજ હાલના સમયમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો નાના-નાના ઉદ્યોગથી આરંભ કરીને વિવિધ પ્રકારના વ્યવસાયો ક્ષેત્રે પ્રગતિ કરી શકે અને સાહસ દેખાડી શકે તે બાબતે વ્યાખ્યાન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ રામભાઈએ પૂર્વ તૈયારીથી રજૂ થયેલ ત્રણેય તજજ્ઞ વક્તવ્યોને બિરદાવ્યા હતા. વિદ્યાર્થીઓને તેમાંથી બોધપાઠ લેવા સૂચવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોલેજમાં આવા ગુણવત્તાયુક્ત કાર્યક્રમ સતત થતા રહેશે. વિદ્યાર્થીઓ આવા કાર્યક્રમોમાંથી જિજ્ઞાસાપૂર્વક શીખ મેળવતા રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. ડો. કવિતાબા ઝાલા એ કર્યું હતું.