યુવતીને બ્લેક મેઈલ કરી બે લાખની રોકડ તેમજ 93 હજારનો મોબાઈલ ખરીદાવ્યો મોરબી : મોરબીની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લાંબો સમય સુધી રિલેશન રાખ્યા બાદ કોલેજકાળમાં યુવતીએ કરેલી ભૂલના ફોટો -વિડીયો પોતાના મોબાઈલમાં સાચવી રાખનાર ટંકારાના વીરપર ગામના શખ્સે યુવતીની સગાઈ નક્કી થતા જ બ્લેક મેઈલ કરવાનું શરૂ કરી કટકે-કટકે રૂપિયા 2 લાખની રોકડ તેમજ 93 હજારનો મોબાઈલ મેળવી લઈ સગાઈ કરશે તો જોયા જેવી થશે તેવો મેસેજ કર્યા બાદ યુવતી ગુમસુમ થઇ જતા આ ગંભીર બનાવ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.ભદ્ર સમાજમાં બનેલા કિસ્સા અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કારખાનેદાર પરિવારની દીકરી મોરબીની કોલેજમાં ભણતી હતી ત્યારે સાથે અભ્યાસ કરતા ટંકારા તાલુકાના વીરપર ગામના આરોપી ડેનિશ મણિલાલ મુંદડીયા સાથે પરિચયમાં આવ્યા બાદ બન્ને વચ્ચે ફ્રેન્ડશીપ બાદ પ્રેમ સંબંધ બંધાયા હતા અને લાંબો સમય સુધી પ્રેમસંબંધ રહ્યા બાદ આ ડેનિસ નામના શખ્સે પોત પ્રકાશ્યુ હતું. વધુમાં યુવતીની સગાઈની વાત આવે ત્યારે આરોપી ડેનિશ મણિલાલ મુંદડીયાએ યુવતી સાથેના ફોટા પાડી લીધા હોય જે વાયરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી કટકે કટકે દસ-દસ, વીસ-વીસ હજાર કરી કુલ બે લાખ રૂપિયા પડાવી લીધા હતા અને યુવતીને ધમકી આપતા કહેતો હતો કે અન્ય કોઈ પણ જગ્યાએ તારી સગાઈ થશે તો મજા નહીં આવે.બીજી તરફ આરોપી ડેનિશ મુંદડીયાના લગ્ન થઈ ગયા હોવા છતાં યુવતીનો પીછો મુકતો ન હતો અને યુવતીએ પોતાનો પીછો છોડી દેવા કહેતા આ શખસે યુવતીને કહ્યું હતું કે, મારા લગ્ન ભલે થઈ ગયા હોય, તારે મારી સાથે સંબંધ રાખવો જ પડશે નહીંતર તને બદનામ કરી નાખીશ.દરમિયાન વર્ષ ૨૦૨૪માં આરોપી ડેનિસ મુંદડીયાએ યુવતી પાસેથી બળજબરીપૂર્વક રૂા.૯૩,૨૧૯ની કિંમતનો મોબાઈલ લેવડાવ્યો હતો. યુવતીએ આ નાણાં તેના ફૈબાના દીકરા પાસેથી ઉછીના લઈ આરોપીને મોબાઈલ પણ લઈ આપ્યો હતો. તાજેતરમાં યુવતીની સગાઈ નક્કી થતા ડેનિશ મુંદડીયાએ ફરી ટેક્સ્ટ મેસેજ કરી બાકી કાલે જોવા જેવી થશે તેમ લખી ધમકી આપતા યુવતી સૂનમૂન થઈ ગઈ હતી અને સમગ્ર હકીકત પોતાના પિતાને જણાવતાં ચોંકી ઉઠેલા પિતાએ સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં વીરપર ગામના ડેનિશ મણિલાલ મુંદડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.