એક સાથે પાંચ-પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય : કાલે કચ્છ-દ્વારકાનો વારો, મોરબી માટે ઓરેન્જ એલર્ટ મોરબી : રાજ્ય એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં અત્યંત ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ રાજ્યના અન્ય વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ભારે વરસાદની આગાહીને પગલે, દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, બુધવારે રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના મેંદરડામાં 13 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.આવતીકાલે કચ્છ તેમજ દ્વારકા માટે વરસાદનું રેડ એલર્ટ તેમજ રાજકોટ, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને જામનગર સહિતના જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.રાજ્યમાં એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે દરિયામાં કરંટ જોવા મળતા દરિયાકિનારાના વિસ્તારોમાં સુરક્ષાના ભાગરૂપે સિગ્નલ નંબર 3 લગાવવામાં આવ્યું છે. માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. બુધવારે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 165 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં 13.3 ઇંચ, કેશોદમાં 11.02 ઇંચ, વંથલીમાં 10.24 ઇંચ, માણાવદરમાં 8.11 ઇંચ અને માળિયાહાટીનામાં 4.72 ઇંચ વરસાદ વરસ્યો હતો.જયારે પોરબંદરમાં 10.08 ઇંચ, કુતિયાણામાં 6.93 ઇંચ અને રાણાવાવમાં 6.69 ઇંચ વરસાદ વરસ્યો હતો.જામનગરના કાલાવડમાં 4.92 ઈંચ, ભાવનગરના ગારીયાધારમાં 4.37 ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં વધુ 3.9 ઈંચ, નવસારીના ગણદેવીમાં 9.17 ઇંચ, ચિખલીમાં 7.52 ઇંચ, કપરાડામાં 6.65 ઇંચ, ખેરગામમાં 5.28 ઇંચ, નવસારીમાં 4.96 ઇંચ અને વાંસદામાં 4.57 ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત દોલવણમાં 5.91 ઇંચ, મહુવામાં 5.31 ઇંચ, માંગરોળમાં 5.12 ઇંચ, તાલાલામાં 5.04 ઇંચ અને ગારિયાધારમાં 4.37 ઇંચ વરસાદ વરસ્યો હતો.દરમિયાન સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 71.31ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 73 ટકાથી વધુ, ઉત્તર ગુજરાત ઝોનમાં 72 ટકાથી વધુ, મધ્ય-પૂર્વ ગુજરાત ઝોનમાં 69 ટકાથી વધુ તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો 69 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાજ્યના 67 ડેમ હાઇએલર્ટ ઉપર છે.30 ડેમ એલર્ટ ઉપર છે તેમજ 19 ડેમ હાઈ એલર્ટ ઉપર હોવાનું જણાવાયું છે.