વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે 7.5 લાખ વૃક્ષોનું વાવેતર કરાશે, ત્યારબાદ બીજા તબક્કામાં 2.5 લાખ વૃક્ષોનું વાવેતર થશે : ખાસ જાપાનીઝ મિયાવાકી ટેક્નિકથી વાવેલા આ વૃક્ષો માત્ર બે જ વર્ષમાં મહાકાય બની જશે : અહીં 4 જેટલા તળાવ અને 4 ગજીબા સહિતના અનેક આકર્ષણો હશેધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના માર્ગદર્શન હેઠળ પાંજરાપોળના સહયોગથી સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આ જંગલનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છેમોરબી : મોરબીવાસીઓને સૌપ્રથમ પ્રાકૃતિક નઝરાણું થોડા જ સમયમાં મળવાનું છે. આ નવું નઝરાણું મચ્છુ-2 ડેમ પાસે આવેલ એક ગાઢ જંગલ છે. જેનું નામ નમો વડ વન છે. જે 100 એકરમાં પથરાયેલું હશે. આ જંગલ એટલું વિશાળ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર હશે કે મોરબી તો ઠીક દૂર-દૂરના લોકો પણ અહીં પ્રકૃતિને માણવા પહોંચશે. હાલ આ જંગલનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ ધારાસભ્ય કાંતિલાલના માર્ગદર્શન હેઠળ પાંજરાપોળ દ્વારા જોધપર નદી સામે ડેમ બાજુના રસ્તામાં કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન પાસે 100 એકર જગ્યામાં નમો વડ વન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વન સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. આનું કામ 1 ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે. અહીં જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી પહેલા તબક્કામાં 7.5 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ કામ 5 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીનો તા.17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ આવી રહ્યો છે. તેઓ 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. જે નિમિત્તે આ વનમાં 7.5 લાખ વૃક્ષો હશે. આ વનમાં બીજા તબક્કામાં 2.5 લાખ વૃક્ષો ઉમેરાશે. મિયાવાકી પદ્ધતિથી આ તમામ વૃક્ષો માત્ર 2 જ વર્ષમાં મહાકાય બની જશે. ત્યારે આ જંગલ એકદમ ગાઢ બની જશે. અહીં 4 તળાવ પણ બનાવવામાં આવશે. આ સાથે 4 ગજીબા પણ બનાવાશે. ઉપરાંત આ જંગલને જોઈ શકાય તે માટે સુંદર આંતરિક રસ્તાઓ પણ બનાવવામાં આવશે. અહીં હાલ 51 પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. જેમાં ફળ-ફુલના વૃક્ષોનો પણ સમાવેશ થાય છે. આગામી સમયમાં વધુ 20 પ્રકારના વૃક્ષોનો ઉમેરો થશે. અહીં ફળ-ફુલના વૃક્ષો હોવાથી પક્ષીઓ પણ મોટા પ્રમાણમાં વસવાટ કરશે.નમો વડ વનનું કામ પૂર્ણ થયા બાદ તે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે. મોરબીમાં હાલ ફરવા લાયક કોઈ પ્રાકૃતિક જગ્યા નથી. તેવામાં મોરબીની ભાગોળે જ આ વિશાળ કૃત્રિમ જંગલ મોરબીની સુંદરતામાં વધારો કરશે. સાથોસાથ મોરબીવાસીઓનું પસંદગીનું સ્થળ બનશે. જ્યાં એકદમ પ્રાકૃતિક વાતાવરણ અને નયનરમ્ય નઝારા હશે.