પંચાસર મેઈન રોડ, નાની કેનાલ મેઈન રોડ, શ્રીકુંજ ચોકડી રોડ અને મુખ્ય રોડ સહિત તેની આસપાસના અંદરના વિસ્તારો સુધી પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પહોંચાડાશે મોરબી: મોરબી શહેરના પંચાસર વિસ્તારમાં પીવાના પાણીના અભાવ અને વિતરણમાં થતા વિલંબની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો હવે અંત આવશે. મોરબી મહાપાલિકા દ્વારા પંચાસર હેડવર્કસ હેઠળના વિસ્તારોમાં નવું અને અત્યાધુનિક વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાખવાના કામને રૂ. ૧૫.૫૭ કરોડની માતબર રકમની મંજૂરી આપવામાં આવી છે.આ નવી યોજનાનો મુખ્ય ઉદ્દેશ પંચાસર વિસ્તારના તમામ ઘરોમાં પર્યાપ્ત અને નિયમિત પીવાના પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે. આ આયોજનથી આગામી વર્ષોમાં વધતી જતી પાણીની માંગને પણ પહોંચી વળાશે.હાલમાં ગૌશાળા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ પરથી પાણી પંપ કરીને પંચાસર હેડવર્ક સુધી પહોંચાડવામાં આવે છે, જ્યાંથી તેનું વિતરણ થાય છે. પંચાસર હેડવર્ક ખાતે હાલમાં ૫ લાખ લિટરનો એક ESR (Elevated Service Reservoir) અને ૫ લાખ લિટરનો એક GSR (Ground Service Reservoir) કાર્યરત છે. નવી યોજના અંતર્ગત નાખવામાં આવનારું નવું વિતરણ નેટવર્ક આ હાલના GSR અને ESR સાથે જોડાશે, જેથી પંચાસર વિસ્તારમાં પાણીનું યોગ્ય અને સમાન વહેંચાણ શક્ય બનશે.આ યોજનાથી પંચાસર મેઈન રોડ, નાની કેનાલ મેઈન રોડ, શ્રીકુંજ ચોકડી રોડ અને મુખ્ય રોડ સહિત તેની આસપાસના અંદરના વિસ્તારો સુધી પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પહોંચાડવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.