મોરબી : એસપી રોડથી ક્રિષ્ના સ્કૂલ વચ્ચેના રોડ ઉપર નવા બની રહેલા પ્રમુખ એવન્યુ હોમ્સ પ્રોજેકટ દ્વારા રસ્તા ઉપર દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે પનારા અનિલભાઇ જે. નામના નાગરિક દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવાયુ છે કે હાલ ક્રિષ્ના સ્કૂલથી એસ.પી. રોડ જોડતો આર.સી.સી. રોડ મંજુર થયેલ છે અને કામ ચાલુ છે. આ રસ્તે આવેલ શિવાલીક ટાવરની સામે 'પ્રમુખ એવન્યુ હોમ્સ'' નામનો બહુમાળી ફલેટનો પ્રોજેકટ બની રહ્યો છે. આ બહુમાળી પ્રોજેકટ વજેપર ગામમાં આવે છે. જેમનો ખાતા નં. ૮૬૩ અને સર્વે નંબર ૧૧૦૧ પૈકી ૩ છે. બાંધકામ મંજુરી નિયમ મુજબ આ પ્રોજેકટ બાજુથી ૨૦ ફુટ જગ્યા મુકીને બાંધકામ કરવાનું હોય પરંતુ બીલ્ડર દ્વારા રસ્તો મુકવામાં આવેલ નથી. ૨૦ ફુટ રવાપર ગામતળ અને ૨૦ ફુટ વજેપર ગામતળ કુલ ૪૦ ફુટનો પહોળો રોડ હોવો જોઇએ. પરંતુ બીલ્ડર દ્વારા માત્ર ૫ ફુટનો રસ્તો છોડીને બાકીના ૧૫ ફુટની જગ્યા પર પતરા લગાવીને ગેરકાયદેસર રીતે દબાણ કરેલ છે. જેથી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.