શકરીબેન ડાહ્યાભાઈ પટેલ સંકુલનું રૂપિયા 200 કરોડના ખર્ચે નિર્માણ;સમારોહના ઉદ્ઘાટક ગૃહમંત્રી અમિતભાઈ શાહ, અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કન્યા છાત્રાલયનો લોકાર્પણ સમારોહ યોજાશે: સમાજ શ્રેષ્ઠિઓ, દાતાઓ, ટ્રસ્ટીઓ, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે મોરબી : સરદાર ધામના 'સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ'ના ધ્યેયને ચરિતાર્થ કરવા મિશન 2026 અંતર્ગત સરદારધામ સંચાલિત શકરીબેન ડાહ્યાભાઈ પટેલ સંકુલ કન્યા છાત્રાલય ફેસ-2નું સરદાર ધામ, વૈષ્ણોદેવી સર્કલ, અમદાવાદ ખાતે લોકાર્પણ કરવામાં આવનાર છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહ સમારોહના ઉદ્ઘાટક (વર્ચ્યુઅલ) તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આગામી તારીખ 24/8/2025ને રવિવારે સાંજે 4:30 કલાકે ઉપપ્રમુખ ગોવિંદભાઈ પટેલ પરિવાર (સનહાર્ટ ગ્રુપ)ના હસ્તે કન્યા છાત્રાલયનું લોકાર્પણ થશે.મિશન 2026 અંતર્ગત સરદાર ધામના પાંચ લક્ષ્યબિંદુઓ જેમાં બિલ્ડીંગ પ્રોજેક્ટ (10000 દીકરા દીકરીઓને પરવડે તેવા સુવિધાયુક્ત છાત્રાલયનું નિર્માણ), જીપીએસસી, યુપીએસસી, ડિફેન્સ, સિવિલ સર્વિસ કેન્દ્ર, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન (10000 ઉદ્યોગપતિઓનું સંગઠન) તેમજ યુવા સંગઠન થકી સમાજ જોડો અભિયાનને સિદ્ધ કરવા સંકલ્પબધ્ધ છે. સરદાર ધામ સંચાલિત શકરીબેન ડાહ્યાભાઈ પટેલ સંકુલ કન્યા છાત્રાલય જેમાં 3000 દીકરીઓ માટે હોસ્ટેલની સુવિધા તેમજ અન્ય સુવિધા, ઇન્સ્ટિટ્યૂટ, 440 રૂમની વ્યવસ્થા, 1000 વ્યક્તિની ક્ષમતાનો હોલ, ઈ લાઇબ્રેરી, વિદ્યાર્થી કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર, સ્ટુડન્ટ કાઉન્સેલિંગ સેન્ટર જેવી અનેક સુવિધાઓ સરદાર ધામ ફેસ-2માં ઉપલબ્ધ છે.સમારોહનું દીપપ્રાગટ્ય કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા, જીએસસી બેન્ક અમદાવાદના ચેરમેન અજયભાઈ એચ પટેલ, ભરતભાઈ એમ ભગત તથા ધનજીભાઈ એ પટેલના હસ્તે થશે. આ તકે સરદારધામ ફેસ-2 કન્યા છાત્રાલયના સન્માનનીય મહાનુભાવો પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, ભવનના ઉદઘાટક ગોવિંદભાઈ પટેલ (સનહાર્ટ ગ્રુપ), મફતલાલ વી પટેલ, વિમળાબેન કનુભાઈ પટેલ, રવજીભાઈ વસાણી, સુનિલભાઈ ભંડેરી, પી એસ પટેલ, હેમા નીતિન આર.પટેલ, ભાઇલાલભાઈ પટેલ, નિમીશભાઈ પટેલ, હંસાબેન રમેશભાઈ મેશિયા આ ઉપરાંત અતિથિ પદે સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, મૌલેશભાઈ ઉકાણી (બાન લેબ), રમેશભાઈ પટેલ, ગુણવંતભાઈ સોજીત્રા, કાંતિભાઈ સાવલિયા, આલાપભાઈ પટેલ, દકુભાઈ કસવાલા વગેરે ઉપસ્થિત રહેશે.સમસ્ત પાટીદાર સમાજની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે રૂપિયા 200 કરોડના ખર્ચે નિર્મિત શકરીબેન ડાહ્યાભાઈ પટેલ સંકુલ કન્યા છાત્રાલયમાં 3000 દીકરીઓ માટે રહેવા જમવા અને અભ્યાસની સુવિધાઓ ઉપલબ્ધ બની છે. ભવયાતિભવ્ય સમારોહમાં સર્વે દાતાઓ, ટ્રસ્ટીઓ, ઔદ્યોગિક-વ્યાપારી મિત્ર મંડળ સહિત સર્વેને પધારવા સરદારધામ ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે.