મધ્યપ્રદેશના શિવપુરી જીલ્લામાં સર્જાયો અકસ્માત : મીની બસમાં સંગીતકારોની ટિમ બેઠી હતી, અંદાજે સાતેક લોકો ઈજાગ્રસ્ત થયા હળવદ : કાશીમાં ડો.લંકેશ બાપુની શિવકથામાંથી પરત ફરતી વેળાએ સંગીતકારોની મીની બસને મધ્યપ્રદેશમાં અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં હળવદના ગાયક કલાકાર હાર્દિકભાઈ દવે સહિત 4 લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતના 20 જેટલા સંગીતકારો શુક્રવારે સાંજે કાશી વિશ્વનાથ ખાતે આયોજિત શિવકથા કાર્યક્રમમાં પરફોર્મ કરીને પરત ફરી રહ્યા હતા.શનિવારે વહેલી સવારે મીની બસ સુરવાયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી વખતે જ તે નિયંત્રણ બહાર થઈ ગઈ, ડિવાઈડર પર ચઢી ગઈ અને બીજી લેનમાં પહોંચ્યા પછી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં હળવદના જાણીતા ગાયક હાર્દિકભાઈ કિશોરભાઈ દવે ઉ.વ.38નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત રાજા ઠાકોર ઉ.વ.28, અંકિત ઠાકોર ઉ.વ.17 અને રાજપાલ સોલંકી ઉ.વ.60નું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.વધુમાં રાવલ મોહિત,આશિષ વ્યાસ,મોહલિક, નરેન્દ્ર નાયક,ચેતન કુમાર,ઋષિકેશ,વિપુલ, અરવિંદ,અર્જુન,હર્ષદ ગોસ્વામી અને મીની બસના ડ્રાઇવરને ઇજા પહોંચી હતી. તેમાંથી સાતની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.ઉલ્લેખનીય છે કે હળવદના ગાયક કલાકાર હાર્દિકભાઈ દવે સલાટ ફળીમાં રહે છે. તેઓ સારા કલાકાર હોવાની સાથે શિવભક્ત પણ હતા. તેઓના પરિવારમાં માતા-પિતા, પત્ની, બહેન અને એક 2 વર્ષની બાળકી, બીજી 5 વર્ષની બાળકી હતા. તેઓના નિધનથી પરિવારનો આધારસ્તંભ છીનવાઈ ગયો છે. આ ઘટના બાદ જીલ્લા કલેકટરે આદેશ કરી ચીફ ઓફિસરને આજે સવારે મૃતદેહ ગાંધીનગર સિવિલથી મેળવી હળવદ સુધી પહોંચાડવા સહિતની કામગીરી સોંપી હતી.