ગામના બાળકો પણ દારૂની લતે ચડી ગયા, બહેનો ઘરની બહાર નીકળી શકતી નથી તેવી હાલત : મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરી ચક્કાજામની ચીમકી ઉચ્ચારીમોરબી : મોરબીના સોલંકીનગર ગામે આજે જન્માષ્ટમીના પર્વ દરમિયાન દારૂ વેચવા આવેલા એક શખ્સને ગામના યુવાનોએ પાઠ ભણાવી તેનો વિડીયો ઉતારી વાયરલ કર્યો છે. આ સાથે મહિલાઓએ પણ દારૂના દુષણ સામે વિરોધ વ્યક્ત કરી પોલીસ કાર્યવાહીની માંગ ઉઠાવી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર મોરબી તાલુકાના સોલંકીનગરમાં ગામમાં આજે જન્માષ્ટમીના પર્વ પર એક શખ્સ દેશી દારૂ વહેંચવા નીકળયો હતો. ગ્રામજનોએ આ શખ્સને ખુલ્લો પાડી તેનો વિડીયો ઉતારી પાઠ ભણાવ્યો હતો. જો કે સામે ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે તેમ શખ્સે પણ વિડિઓ બનાવી ધાક ધમકી આપી હતી. વર્ષ 2025ની નવી ગ્રામ પંચાયત વાળું ગામ સોલંકીનગર જેમાં તમામ વસ્તી કોળી સમાજની છે. જે વર્ષ 2002માં રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે આ ગામનું ભૂમિ પૂજન અને ઉદ્ઘાટન થયું હતું. ગામ સોલંકી નગરમાં દિવસેને દિવસે દારૂનું પ્રમાણ વધી રહ્યું છે. તેમાં અવાર નવાર ગામમાં બહારગામના લોકો દારૂ વહેંચવા પહોંચી જાય છે અને ગામના લોકોની એકતા ન હોવાથી લાચાર રહીને સહન કરવું પડે છે પરંતુ આજે જન્માષ્ટમીના દિવસે ક્રાંતિની શરૂઆત થઈ છે. ગામના જાગૃત લોકોએ એક થઈને આ દુષણ સામે વિરોધ નોંધાવ્યો છે. બીજી તરફ મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દારૂના કારણે દર વર્ષે ગામમાં 10થી 15 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. ગામના બાળકો પણ દારૂની લતે ચડી રહ્યા છે. પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. બહેનો દીકરીઓ આ દારૂના દુષણને કારણે ઘરની બહાર નીકળી શકતી નથી. હવે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો મહિલાઓ ભેગી થઈ ચક્કાજામ કરશે.