નવો સિમેન્ટ રોડ મંજુર થતા રોડ ખોદી નખાયાં બાદ રજાઓ આવતા કામ બંધ, સ્થાનિકોને બહાર નીકળવું મુશ્કેલમોરબી : મોરબીના નવલખી રોડ ઉપર આવેલ નીલકંઠ રેસિડેન્સીનો સિમેન્ટ રોડ મંજુર થયા બાદ અહીં રસ્તો ખોદી નાખવામાં આવતા આજે દોઢ ઈંચ વરસાદમાં અહીં દોઢ દોઢ ફૂટ પાણી ભરાઈ જતા સોસાયટીના રહેવાસીઓ તેમજ ત્યાંથી આગળ આવેલ વાડી વિસ્તારના લોકોને અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે.નવલખી રોડ પર આવેલ નીલકંઠ રેસીડેન્સીના રહેવાસીઓના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં પીસીસી રોડ મંજૂર થયેલ હોવાથી ખોદકામ ચાલુ કરાયું હતું પરંતુ બે દિવસથી તહેવારોની રજાને કારણે હાલ કામ બંધ કરી દેવાતા ખોદેલા રોડ પર વરસાદના કારણે દોઢ- દોઢ ફૂટ પાણી ભરાય ગયા છે.વધુમાં મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે હાલમાં નીલકંઠ રેસીડેન્સીના રહેવાસીઓ તેમજ અન્ય વાડી વિસ્તારનો આ એક જ રસ્તો હોવાથી આ વિસ્તારના લોકોને હાલ બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. હાલના સંજોગોમાં રોડનું કામકાજ ચાલે ત્યાં સુધી આ વિસ્તારના લોકો કઈ પણ કામ માટે કે કોઈ ઇમરજન્સી આવે તો બહાર કેમ નીકળવું એ મોટો સવાલ ઉભો છે. જેથી સ્થાનિકોએ રસ્તાનું કામ ચાલુ છે ત્યાં સુધી કામચલાઉ રસ્તો બનાવવા માંગ ઉઠાવી છે.