બાયપાસ રોડ ઉપર પણ મેળાનું આયોજન, આ મેળો 31 ઓગસ્ટ સુધી ચાલશે : બન્ને મેળામાં વિનામૂલ્યે એન્ટ્રીમોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહેરમાં બે જગ્યાએ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાઈડ્સ સહિતના અનેકવિધ આકર્ષણો છે. આ મેળાને માણવા આજથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીમાં જન્માષ્ટમી નિમિત્તે લોકોને આનંદ આપવાના હેતુથી મેળાઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં સામાકાંઠે રહેતા લોકોને દૂર ન જવું પડે તે માટે ત્યાં જ છેલ્લા 3 વર્ષથી પરશુરામ પોટરીના વિશાળ ગ્રાઉન્ડમાં ન્યુ ક્રિષ્ના ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ મેળાનું શાનદાર આયોજન કરાયું છે. જેમાં ટોરા ટોરા, બ્રેકડાન્સ, ફજર, મોતનો કૂવો, ખાણી પીણી, રમકડાં સહિતની રાઈડ અને સ્ટોલ છે. આ મેળો દશમ સુધી એટલે કે આગામી સોમવાર સુધી ચાલવાનો છે. આ ઉપરાંત યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીના બાયપાસ રોડ પર કામધેનુ પાર્ટી પ્લોટની વિશાળ જગ્યામા જૂના અને જાણીતા ક્રિષ્ના ઉત્સવ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે આ મેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જન્માષ્ટમી દરમિયાન મોરબીવાસીઓ પૂરતી સુરક્ષા સાથે આ લોકમેળાને મનભરીને માણી શકશે. આ મેળો 31 ઓગસ્ટ સુધી ચાલવાનો છે.