બે સ્થળે જાહેર અને બે ખાનગી મેળાના આયોજનમોરબી : મોરબીમાં જન્માષ્ટમી પર્વે મહાનગર પાલિકા આયોજિત મેળામાં કોઈ ધંધાર્થીઓ ન ડોકાતા મેળો યોજાયો નથી ત્યારે મોરબીની સેવાભાવી સંસ્થા દ્વારા શનાળા બાયપાસ અને પરશુરામ પોટરી મેદાનમાં બે મેળાના આયોજન કર્યા છે જેમાં લોકો માટે નિઃશુલ્ક એન્ટ્રી છે. આ ઉપરાંત મહેન્દ્રનગરમાં પણ બે ખાનગી મેળા યોજાયા હોય આજથી ચાર દિવસ મોરબીના લોકો મેળામાં મોજમસ્તી કરશે.મોરબી શહેરમાં જન્માષ્ટમી પર્વ નિમિતે કુલ ચાર અલગ -અલગ મેળાના આયોજન કરવામાં આવ્યા છે. જેમાં દર વર્ષની જેમ આ વખતે પણ બાયપાસ રોડ પર ક્રિષ્ના ઉત્સવ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સર્વધર્મની બાળાઓના હસ્તે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા લોકમેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. એ જ રીતે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પરશુરામ પોટરી મેદાન ખાતે પણ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં પણ બે અલગ -અલગ ખાનગી મેળાના આયોજન કરવામાં આવ્યા છે.મોરબીમાં લોકમેળાના આયોજક એવા યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, તમામ લોકો વિનામૂલ્યે મેળાનો આનંદ માણી શકે તે માટે વર્ષ 2009થી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ક્રિષ્ના ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં કોઈ એન્ટ્રી ફી રાખવામાં આવી નથી. મેળામાં રમકડાં, ખાણી-પીણીના સ્ટોલ તેમજ ફજેત ફાળકા સહિતના અનેક આકર્ષણો છે. આ લોકમેળાના આયોજન પાછળ નફો નહિ માત્ર નિર્દોષ મનોરંજનનો ઉદ્દેશ્ય રહેલો છે. દરરોજ અહીં દેશભક્તિને અનુરૂપ તેમજ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સાથે જ આનાથ આશ્રમના બાળકો, વૃદ્ધાશ્રમના વડીલો તેમજ ઝૂંપટપટ્ટીના બાળકો સહિતના લોકોને મેળામાં લાવી મોજ કરાવવા સહિતના સેવાકાર્યો કરવામાં આવશે.