શહેરના 14 વિસ્તારોમાં ટાઈમર અને કોન્ટેક્ટર ઇન્સ્ટોલ થતા વીજળીની બચત થશે મોરબી: મોરબી મહાપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને સર્કલો પર માર્ગપ્રકાશની ઉત્તમ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે, શહેરના મોટાભાગના મહત્ત્વના વિસ્તારો અને મુખ્ય માર્ગો પર યોગ્ય પ્રકાશ મળી રહે તે પ્રકારની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.તેમજ આ લાઈટોનો યોગ્ય અને સમયસર ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા માટે ટાઈમર અને કોન્ટેક્ટર લગાવવામાં આવ્યા છે. આ ટેકનોલોજી દ્વારા લાઈટોની કાર્યપ્રણાલી એવી રીતે સંચાલિત કરવામાં આવી છે કે તે નિર્ધારિત સમય અનુસાર આપમેળે ચાલુ અને બંધ થાય. આનાથી લાઈટોનો અતિશય ઉપયોગ ટાળી શકાશે, પરિણામે તેમની આયુષ્યમાં વધારો થશે અને વીજળીની પણ નોંધપાત્ર બચત થશે.જેમાં (૧)જેલ ચોક ખાતે અંદાજિત ૭૦૦ લાઈટો, (૨)કેનાલ રોડ બોરિયાપાટી ખાતે અંદાજિત ૬૦ લાઇટો (૩)આલાપ સોસાયટી ખાતે અંદાજિત ૮૦૦ લાઈટો, (૪)GIDC શનાળા રોડ ખાતે અંદાજિત ૬૫૦ લાઇટો (૫) AJ કંપની સ્વાપર રોડ ખાતે અંદાજિત ૮૦૦ લાઈટો (૬)પંચાસર રોડ રાજનગર કુળદેવી ડેરી પાસે ખાતે અંદાજિત ૮૫૦ લાઇટો (૭)રવાપર રોડ સુભાસ નગર ખાતે અંદાજિત ૮૫૦ લાઈટો (૮) લાતી પ્લોટ કોલ સેન્ટર ખાતે અંદાજિત ૪૦૦ લાઈટો (૯)le કોલેજ રોડ કેસર બાગ પાસે ખાતે અંદાજિત ૭૦ લાઇટો (૧૦)સરસ્વતી સોસાયટી ખાતે અંદાજિત ૫૦૦ લાઈટો (૧૧)સો ઓરડી પોસ્ટ ઑફિરા પાસે ખાતે અંદાજિત ૫૦૦ લાઇટો (૧૨)પવન પાર્ક ખાતે અંદાજિત ૪૦૦ લાઈટો (૧૩)રામ કૃષ્ણ નગર ખાતે અંદાજિત ૮૫૦ લાઇટો (૧૪)લીલાપર રોડ ખડીયાવાસ ખાતે અંદાજિત ૮૫૦ લાઇટો મુકાય છે. આ તમામ વિસ્તારોમાં લાઈટો સમયસર ચાલુ-બંધ થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેનાથી રાત્રિના સમયે માર્ગો પર પૂરતો પ્રકાશ ઉપલબ્ધ રહેશે અને વીજળીનો બગાડ અટકશે. મહાપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં મોરબી મહાપાલિકાની હદમાં આવતા બાકી રહેલા વિસ્તારો અને જરૂરિયાત મુજબના તમામ સ્થળો પર પણ ટાઈમર અને કોન્ટેક્ટર લગાવીને તમામ લાઈટો વ્યવસ્થિત રીતે કાર્યરત રહે તે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.