મેળાઓમાં LCB, SOG અને સ્થાનિક ડી-સ્ટાફની ટિમો ફ્રી ડ્રેસમાં તૈનાત રહેશે : સોશિયલ મીડિયામાં પણ બાજ નજર રખાશેમોરબી : આગામી જન્માષ્ટમી પર્વ અને લોકમેળાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી રાજકોટ રેન્જ પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં નીકળનારી શોભાયાત્રાઓ અને યોજાનારા મેળાઓ માટે ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે.રાજકોટ રેન્જ હેઠળના પાંચ જિલ્લાઓમાં કુલ ૪૪ નાના-મોટા લોકમેળાઓ યોજાશે. જેમાંથી મોરબી જિલ્લામાં ૧૦ મેળાઓ યોજવાના છે. તમામ લોકમેળાઓના બંદોબસ્ત ઇન્ચાર્જ તરીકે થાણા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝનોની સુરક્ષા માટે SHE ટિમ તૈનાત રહેશે. પીકપોકેટરો, ચેઇન સ્નેકર્સ અને આવારા તત્વો પર લગામ કસવા માટે LCB, SOG અને સ્થાનિક ડી-સ્ટાફના કર્મચારીઓ ફ્રી ડ્રેસમાં ફરજ બજાવશે. લોકો તેમની રજૂઆત/ફરિયાદ કરી શકે તે માટે તંબુની વ્યવસ્થા ગોઠવીને તાત્કાલિક નિરાકરણ લાવવા ટીમો રાખવામાં આવી છે. તેમજ સોશિયલ મીડિયા પર અસામાજિક તત્વો દ્વારા કોઈ વાંધાજનક પોસ્ટ કે ટિપ્પણી ન થાય તે માટે અલગ-અલગ ટીમો દ્વારા ૨૪ કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ આવી અફવાથી ન દોરાવા અપીલ કરી છે. વર્તમાન ચોમાસાની સીઝનમાં વરસાદી વાતાવરણને કારણે રથયાત્રા તેમજ લોકમેળા દરમિયાન કોઈ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટનો બનાવ ન બને તે અંગેની કાળજી અને ખાસ તકેદારી રાખવા પણ અપીલ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિને કંઈપણ વાંધાજનક/શંકાસ્પદ વસ્તુ કે હકીકત જણાય તો મોરબી જિલ્લા કંટ્રોલ રૂમ(૦૨૮૨૨-૨૪૩૪૭૮) નો સંપર્ક કરવા જણાવાયુ છે.