અમદાવાદની પ્રેમિકાએ બળાત્કાર કેસમાં ફિટ કરાવી દેવા ધમકી આપતા અંતે ઝેર ગટગટાવ્યું : છ વિરુદ્ધ ફરિયાદમોરબી : મોરબીમાં ચાર મિત્રો સાથે ભાગીદારીમાં સીરામીક ફેક્ટરી ભાડે રાખી વ્યવસાય કરતા ઉદ્યોગપતિ સાથે ચાર મિત્રોએ દગો કરી ઉદ્યોગપતિની જાણ બહાર રો-મટીરિયલની ખરીદી કરી તૈયાર માલ બારોબાર વેચી મારતા ખોટના ખાડામાં ઉતરી ગયેલા ઉદ્યોગપતિએ જમીન, મકાન વેચી 4.37 કરોડનું દેણું ભર્યું હતું જેની ઉઘરાણી પાકતી ન હતી તેવામાં ઉદ્યોગપતિની અમદાવાદ રહેતી પ્રેમિકા અને પ્રેમિકાના પ્રેમીએ બળાત્કારના કેસમાં ફિટ કરાવી દેવાનું કહી 25 લાખની માંગણી કરતા ચોતરફથી ભીંસમાં મુકાયેલા ઉદ્યોગપતિએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા આ ચોંકાવનાર બનાવમાં મૃતકના સાળાની ફરિયાદને આધારે પ્રેમિકા અને ભાગીદારો વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.મોરબીમાં ચકચારી બનેલા કિસ્સાની જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના રવાપર રોડ ઉપર ગોલ્ડન માર્કેટ પાછળ આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં એકતા પેલેસમાં રહેતા મૂળ હમીરપર ગામના રહેવાસી ઉદ્યોગપતિ અશોકભાઈ નાનજીભાઈ પાડલીયાએ ગઈકાલે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે ટંકારાના ઉમિયાનગર ગામે રહેતા સાળા પ્રકાશભાઈ કુંવરજીભાઇ ભાડજાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ચોંકાવનારી હકીકત સાથે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, મૃતક અશોકભાઈ નાનજીભાઈ પાડલીયાએ અંદાજે છથી સાત વર્ષ પૂર્વે મોરબીના કેતનભાઈ વિલપરાનું લગધીરપુર રોડ ઉપર આવેલ ગ્લેર સીરામીક કારખાનું માસિક રૂપિયા 9 લાખના ભાડાંથી ભાડે રાખી ભાગીદાર એવા આરોપી મોરબીના અમિતભાઇ વશરામભાઇ ચારોલા, ભાવેશભાઈ બાબુભાઇ વિડજા, બિપીનભાઈ મનસુખભાઇ દેત્રોજા અને મનોજભાઈ હરખાભાઇ સાણંદીયા સાથે ધંધો કરતા હતા.દરમિયાન ભાગીદારીમાં ચાલતા આ ધંધામાં અશોકભાઈના પિતાજી બીમાર પડતા પાછળથી આરોપી ભાગીદાર અમિતભાઇ વશરામભાઇ ચારોલા, ભાવેશભાઈ બાબુભાઇ વિડજા, બિપીનભાઈ મનસુખભાઇ દેત્રોજા અને મનોજભાઈ હરખાભાઇ સાણંદીયાએ બારોબાર રો-મટીરીયલ મંગાવી માલ તૈયાર કરી વેચાણ કરી નાખી અંગત ફાયદો મેળવી લીધો હતો અને ફેક્ટરી ખોટમાં ચાલતી હોય ધંધો બંધ કરી દીધો હતો. જયારે આ વાતની ખબર પડતા મૃતક અશોકભાઈએ જે તે સમયે ભાગીદારોને સાથે બેસી હિસાબ કરી લેવા અનેક વખત કહેવા છતાં આરોપીઓ હિસાબ કરવા બેસતા ન હતા. બાદમાં હિસાબ કરતા અશોકભાઈએ કારખાનામાં આવેલ ખોટ ભરપાઈ કરવા પોતાના ગામડે આપેલી જમીન અને મકાન વેચી નાખી 4.37 કરોડ રૂપિયા ભરપાઈ કર્યા હતા જે રકમ પણ ભાગીદારો આપતા ન હતા.બીજી તરફ મૃતક અશોકભાઈને અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી આરોપી મનીષા કિરણભાઈ ગોહિલ નામની મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને તેઓ અવાર નવાર મનીષાને મળી પૈસા આપતા હતા જેમાં મનીષાને અન્ય એક પ્રેમી આરોપી અર્ચિત મહેતા સાથે પણ પ્રેમ સંબંધ હોય મનીષા અવાર નવાર અશોકભાઈને અર્ચિત મહેતા હેરાન કરતો હોવાનું કહી એ બહાને નાણાં મેળવતી હતી જેમાં છેલ્લે મનીષા અને તેના પ્રેમીએ રૂપિયા 25 લાખની માંગણી કરી હતી અન્યથા બળાત્કારના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપતા ચોતરફથી ભીંસમાં આવી ગયેલા અશોકભાઈ નાનજીભાઈ પાડલિયાએ તા.11 ઓગસ્ટના રોજ ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં સીટી એ ડિવિઝન પોલીસે પ્રકાશભાઈ કુંવરજીભાઇ ભાડજાની ફરિયાદને આધારે પ્રેમિકા અને તેના પ્રેમી તેમજ મોરબીના ચારેય ભાગીદારો વિરુદ્ધ અશોકભાઈને મરવા મજબુર કરવા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.