વાંકાનેરના સતાપરમાં દીપડાનું બચ્ચું ટ્રાન્સફોર્મર પર ચડી જતા મોત વાંકાનેર : વાંકાનેર પંથકમાં દીપડાનો કાયમી વસવાટ છે ત્યારે ગઈકાલે રાત્રીના સમયે વાંકાનેર રેન્જમાં વનવિભાગના મેસરીયા રાઉન્ડ હેઠળ આવતા સતાપર ગામની સીમમાં દીપડાનું બચ્ચું પક્ષીના શિકારની લાલચમાં વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચડી જતા વીજ શોક લાગવાથી મૃત્યુ નિપજ્યું હતું.આ ઘટના બાદ વનવિભાગે દીપડાના બચ્ચાનું પીએમ કરી વિધિવત અગ્નિ સંસ્કાર કર્યા હતા.વાંકાનેર પંથકમાં જંગલ વિસ્તારમાં દીપડાનો કાયમી વસવાટ છે ત્યારે ખાસ કરીને રામપરા વીડી વિસ્તારમાંથી અવાર નવાર દીપડા રેવન્યુ વિસ્તારમાં જતા હોય છે જે દરમિયાન વાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમમાં રેવન્યુ સર્વે નમ્બર-53માં આવેલ કુશાલભાઈ ધરમશીભાઈ મકવાણાની વાડીમાં આવેલ વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચડી જતા એક દીપડાનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતા. વનવિભાગની તપાસમાં જે દીપડાનું મૃત્યુ થયું હતું તે અંદાજે સાતથી આઠ માસનું દીપડાનું બચ્ચું હોવાનું અને નાના પક્ષીના શિકાર માટે દીપડાનું બચ્ચું વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગયું હોવાનું વનવિભાગે જણાવ્યું હતું.વીજ શોકથી દીપડાના મૃત્યુની ઘટના બાદ વન વિભાગે સિંધાવદર વેટરનરી તબીબ અને રામપરા રેન્જના તબીબો મારફતે દીપડાના બચ્ચાની વીડિયોગ્રાફી કરાવી તમામ અંગ સલામત હોવાની વીડિયોગ્રાફી કરી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને વીજશોકથી જ મૃત્યુ થયાના રિપોર્ટ બાદ વનવિભાગના નિયમ મુજબ દીપડાના બચ્ચાના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.