બે દિવસ પહેલા બેઠક કરી નિર્ણય લીધો અને આજથી કામ શરૂ : સેન્સો ચોકડીથી નેશનલ હાઇવે વચ્ચે 2 કિમિનો રોડ બનશેમોરબી : વાંકાનેર નજીક રાતાવિરડા- સરતાનપર વચ્ચે રોડની હાલત ખરાબ હોય અહીંના ઉદ્યોગોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી. તેવામાં ઉદ્યોગોએ તંત્ર ઉપર આશા રાખવાને બદલે રૂ.2 કરોડના સ્વ ખર્ચે સિમેન્ટ રોડ બનાવવાનું શરૂ કરી દીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાતાવિરડાથી સરતાનપર વચ્ચે સેન્સો ચોકડીથી નેશનલ હાઇવે સુધીનો 2 કિમિનો રોડ અતિ ખરાબ હાલતમાં હતો. જેને લઈને અહીં આવેલા અંદાજે 110 જેટલા ઉદ્યોગોને વાહન વ્યવહારમાં ભારે હાલાકી પડી રહી હતી. તેવામાં બે દિવસ પહેલા આ ઉદ્યોગકારોએ રોડ બાબતે એક બેઠક બોલાવી હતી. જેમાં બધા ઉદ્યોગકારોએ સહમતી દર્શાવતા સ્વખર્ચે જ રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજથી આ રોડનું કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. આ અંગે વિગતો આપતા ઉદ્યોગપતિ ધીરેનભાઈ કાસુન્દ્રાએ જણાવ્યું કે આ રોડ રૂ.2 કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યો છે. સેન્સો ચોકડીથી નેશનલ હાઇવે વચ્ચે 2 કિમિનો સિમેન્ટ રોડ બનાવવામાં આવી રહ્યો છે. રોડનો તમામ ખર્ચ અહીંના 110 ઉદ્યોગો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. આ રોડનું કામ ચાલી રહ્યું હોવાથી વાહનચાલકો પાનેલી રોડ અથવા સેટમેક્સથી પેંગવીન સિરામિક આ બે વૈકલ્પિક રૂટ લઈ શકે છે. આ રોડનું કામ 20 સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે.અગાઉ 13 વર્ષ પહેલાં પણ ઉદ્યોગકારોએ જાતે જ અહીં રોડ બનાવ્યો હતોઉદ્યોગપતિ ધીરેનભાઈ કાસુન્દ્રાએ જણાવ્યું કે અગાઉ 13 વર્ષ પૂર્વે આ રોડ ખરાબ હતો ત્યારે પણ ત્યારે અહીં કાર્યરત ઉદ્યોગોએ સ્વ ખર્ચે જ રોડ બનાવ્યો હતો. તે સમયે ઉદ્યોગોની સંખ્યા ઓછી હતી એટલે દરેક ઉદ્યોગોને મોટો ખર્ચ ભોગવવો પડ્યો હતો.