ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કમિશનર સ્વપ્નિલ ખરે સહિતના સફાઈ અભિયાનમાં જોડાયા: સ્વચ્છતા સાથે વૃક્ષારોપણ અને સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવશે મોરબી: 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત છેલ્લા ત્રણ ચાર દિવસોથી મોરબી સહિત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત, મોરબીમાં પણ રેલીઓ અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા 'હર ઘર તિરંગા'ની સાથે 'હર ઘર સ્વચ્છતા'ની થીમ આપવામાં આવતા, મોરબી નગરપાલિકા દ્વારા આજે નવા બનેલા પંચાસર રોડ પરથી સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ સફાઈ અભિયાન અંતર્ગત પંચાસર રોડથી વાવડી રોડની વચ્ચેના વિસ્તારમાં મસ્જિદવાળી શેરીમાં છેલ્લા ઘણા સમયથી પાણીનો પ્રશ્ન અંગે મહિલાઓના ટોળાએ ધારાસભ્ય, કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતનાઓને રજૂઆત કરી હતી. આ અંગે ડેપ્યુટી કમિશનરે ખાતરી આપી હતી કે આ પ્રશ્નનું સોલ્યુશન કરવામાં આવશે. આ ઉપરાંત સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે ઘણી બધી શેરીઓ ગેરકાયદેસર રીતે બંધ કરી દેવામાં આવી છે. જે અંગે લેખિતમાં રજૂઆત કરવાનું જણાવ્યું હતું. આ સફાઈ અભિયાનમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને કમિશનર સ્વપ્નિલ ખરે પણ જોડાયા હતા. કાંતિભાઈ અમૃતિયાએ લોકોને કચરો રોડ પર નહીં, પણ કચરાપેટીમાં કે કોર્પોરેશનના વાહનમાં નાખવા અપીલ કરી હતી, જેથી ધીમે ધીમે મોરબી શહેરને સ્વચ્છ બનાવી શકાય. તેમણે પ્રજાને આ કાર્યોમાં પણ સહકાર આપવા અને ગમે ત્યાં કચરો ન નાખવા વિનંતી કરી હતી.કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, વરસાદના કારણે થોડા સમયથી બંધ રહેલું આ સફાઈ અભિયાન વાતાવરણ અનુકૂળ થતાં ફરી શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં રાષ્ટ્રપ્રેમની સાથે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.આજે સવારે 7 વાગ્યાથી સમગ્ર શહેરમાં સફાઈ માટે ટીમો કાર્યરત છે. જેમાં પંચાસર રોડ, સનાળા રોડ અને વાવડી રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વૃક્ષા રોપણ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વાવડી રોડ પર ગાયો દ્વારા નુકસાન પામેલા વૃક્ષોને બદલીને ગાયો ન ખાય તેવા નવા વૃક્ષો વાવવામાં આવશે. હાલમાં 20-25 પ્રતિકાત્મક વૃક્ષો વાવવાની શરૂઆત કરવામાં આવી છે અને આગામી સમયમાં સમગ્ર શહેરમાં ડિવાઈડર પર વૃક્ષારોપણ કરવામાં આવશે.નવા 100 સફાઈ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે, જેમાંથી કેટલાકને નવા બનેલા પંચાસર રોડ વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા માટે ફાળવવામાં આવશે. ખુલ્લી ગટરોની સફાઈને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. કમિશનરે જણાવ્યું હતું કે હાલમાં 50થી વધુ સફાઈ કામદારો આ અભિયાનમાં જોડાયા છે. તેમજ લોકોને સફાઈ કાર્યક્રમમાં જોડાઈ ન શકો તો કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવા અને ડોર-ટુ-ડોર આવતી કચરા ગાડીમાં જ કચરો નાખવા જણાવ્યું હતું. આ સાથે આજે સાંજે પોલીસ ગ્રાઉન્ડથી સનાળા રોડ સુધી 'હર ઘર તિરંગા યાત્રા'નું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહત્તમ લોકોને જોડાવા અપીલ કરવામાં આવી છે.સફાઈ અભિયાન સાથે દબાણ હટાવ ઝુંબેશમોરબી નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાન દરમિયાન શહેરના રસ્તાઓ પરના દબાણો હટાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. સફાઈ કામગીરીની સાથે, નગરપાલિકાની ટીમો દ્વારા રેકડી, કેબિન અને રોડ પર આવેલા અન્ય દબાણોને દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીનો હેતુ શહેરને સ્વચ્છ અને ખુલ્લું બનાવવાનો છે.