સિરામિક એકમના દેણાના રૂ.4.37 કરોડ આપ્યા બાદ તે પરત માંગતી વેળાએ 4 પાર્ટનર ધમકી આપતા હતા : પ્રેમિકા અને તેનો મિત્રએ બ્લેકમેઇલ કરી રૂ.70 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી : તમામ સામે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યોમોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગપતિએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. તેઓએ સુસાઇડ નોટમાં 4 પાર્ટનર અને પ્રેમિકા તથા તેના મિત્ર મળી 6 લોકોના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું લખ્યું છે. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર રવાપરમાં લક્ષ્મીનાયારણ સોસાયટીમાં આવેલ એકતા પેલેસમાં રહેતા અશોકભાઈ નાનજીભાઈ પાડલીયા કે જેઓ લખધીરપુર રોડ ઉપર આવેલ ગ્લેર સિરામિકના પાર્ટનર હતા. તેઓએ તા.11 ઓગસ્ટના રોજ બપોરે ઝેરી દવા પીધી હતી. જેથી તેઓને 108 મારફત મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. મૃતક અશોકભાઈએ સુસાઇડ નોટમાં 6 લોકોના ત્રાસથી આપઘાતનું પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે. એ ડિવિઝન પોલીસે મૃતકના સાળા તથા બનેવી થતા પ્રકાશભાઈ કુંવરજીભાઈ ભાડજા રહે. ઉમિયાનગર ગામ તા. ટંકારા વાળાની ફરિયાદ ઉપરથી 6 લોકો સામે ગુનો નોંધ્યો છે. આ ફરિયાદમાં જણાવાયુ હતું કે અમીતભાઇ વશરામભાઇ ચારોલા, ભાવેશભાઇ બાબુભાઇ વીડજા, બીપીનભાઇ મનસુખભાઇ દેત્રોજા, મનોજભાઇ હરખાભાઇ સાણંદીયા આ ચારેય પાર્ટનરે અશોકભાઈની જાણ બહાર તેમના નામે રો-મટિરિયલ્સ મંગાવી ઉત્પાદન વેચી તેના નાણાનો ભાગ પાડી લીધો હતો. ઉપરાંત સિરામિક એકમ ખોટમાં જતા હિસાબ કરતા અંદાજે રૂ.5 કરોડનું દેણું થઈ ગયું હોવાનું સામે આવ્યું હતું. આ વેળાએ તેના પાર્ટનરોએ આ પૈસા અશોકભાઈને ચૂકવી આપવા કહ્યું હતું અને તેઓ બાદમાં અશોકભાઈને પૈસા પરત આપશે તેવું કહ્યું હતું. જેથી અશોકભાઈએ તેમના હમીરપર ગામે આવેલ 6 એકર જમીન, ત્યાનું મકાન અને મોરબીના એકતાનગરમાં આવેલ મકાન વેચીને રૂ.4.37 કરોડનું દેણું ભરી દીધું હતું. જો કે બાદમાં ચારેય પાર્ટનર પાસે નાણાની ઉઘરાણી કરતા તેઓ ધમકીઓ આપતા હતા. બીજી તરફ અશોકભાઈને અમદાવાદના રાણીપમાં રહેતા મનિષાબેન કિરણભાઇ ગોહીલ સાથે પ્રેમ સંબંધ હોય તેઓએ અને તેમના મિત્ર અર્ચીતભાઇ મહેતાએ બ્લેકમેઇલ કરી રૂ.70થી 80 લાખ પડાવ્યા હતા. આમ કુલ 6 લોકોના ત્રાસથી અશોકભાઈએ જીવન ટૂંકાવી લીધું હોવાનું ફરિયાદમાં જણાવાયુ છે. એ ડિવિઝન પોલીસે તમામ 6 લોકો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.