ટંકારા: ટંકારા શહેરમાં વ્યાપક અસ્વચ્છતા અને સફાઈ વ્યવસ્થાની બેદરકારીને લઈને આજે નગરપાલિકા કચેરી ખાતે જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને પાટીદાર અગ્રણી મહેશ રાજકોટિયાના નેતૃત્વ હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહેશ રાજકોટિયા સહિતના સ્થાનિક આગેવાનોએ સફાઈ મુદ્દે તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી હતી અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે માત્ર સ્લોગન લખવાથી શહેર સ્વચ્છ નહીં થાય.આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે સફાઈ ઝુંબેશ હાથ ધરવાની માંગણી કરવામાં આવી હતી. રાજકોટિયાએ ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે જો 24 કલાકમાં સફાઈ માટે કોઈ કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો નગરપાલિકાને તાળાબંધી કરી દેવામાં આવશે. વધુમાં તેઓએ કહ્યું કે લોકોની સુખ-સુવિધા માટે જરૂર પડે તો મામલતદાર કચેરી સામે હાથમાં કટોરો લઈને ભીખ માંગીને, જો તંત્ર પાસે પૈસા ન હોય તો પોતે ઉઘરાણું કરીને શહેર સાફ કરાવશે. જરૂર પડ્યે જાતે સફાઈ કામે વળગવું પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરની આ અસ્વચ્છતા લોકોના આરોગ્ય અને જીવનને જોખમમાં મૂકી રહી છે.