કંપનીએ સેબીમાં આઈપીઓ માટે ડ્રાફ્ટ પેપર્સ રજૂ કર્યા મોરબી : ટાઇલ્સ અને બાથવેર ઉત્પાદક વરમોરા ગ્રેનિટો લિમિટેડએ બજાર નિયામક સેબીમાં ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા ભંડોળ ઊભું કરવા માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) દાખલ કર્યું છે. કંપની આઈપીઓમાં 400 કરોડ રૂપિયાના ફ્રેશ શેર ઇશ્યૂ અને 5.24 કરોડ ઇક્વિટી શેરના ઓફર ફોર સેલ (OFS) દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે.કંપની આઈપીઓમાંથી મળેલા ભંડોળનો ઉપયોગ 320 કરોડ રૂપિયા જેટલી લોનની ચુકવણી માટે કરશે, બાકીનું ભંડોળ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વપરાશે. વરમોરા ગ્રેનિટો ઉચ્ચ ગુણવત્તાવાળી, ટકાઉ અને સ્ટાઇલિશ ટાઇલ્સની વિશાળ શ્રેણી બનાવે છે. જેમાં ગ્લેઝ્ડ વિટ્રિફાઇડ, પોલિશ્ડ વિટ્રિફાઇડ અને સિરામિક ટાઇલ્સનો સમાવેશ થાય છે. 31 માર્ચ, 2025 સુધીમાં, કંપનીના પોર્ટફોલિયોમાં 20 સરફેસ પ્રકારોમાં 3,500થી વધુ SKU (સ્ટોક કીપિંગ યુનિટ્સ) શામેલ છે, જેનો ઉપયોગ ફ્લોરિંગ, દિવાલો, બેક પેનલ્સ, ફેસાડ્સ અને કિચન સ્લેબ્સ માટે થાય છે. નાણાકીય વર્ષ 2025માં, કંપનીએ ઇન્ટિગ્રેટેડ સ્ટોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ચાર સરફેસ ફિનિશમાં માર્બલ-લૂક પ્રોડક્ટ્સ રજૂ કર્યા.કંપનીના ઉત્પાદનોનું વેચાણ 286 એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ્સ, 2,000થી વધુ મલ્ટી-બ્રાન્ડ આઉટલેટ્સ અને બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સ, ડેવલપર્સ તેમજ સરકારી પ્રોજેક્ટ્સ જેવા B2B ચેનલો દ્વારા થાય છે. કંપની મોરબી ક્લસ્ટરમાં નવ ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે.ટેક્નોપેકના અહેવાલ મુજબ, ભારતીય ટાઇલ્સ બજારે છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. નાણાકીય વર્ષ 2019માં આ બજારનું મૂલ્ય આશરે 36,000 કરોડ રૂપિયા હતું, જે નાણાકીય વર્ષ 2025 સુધીમાં વધીને 53,100 કરોડ રૂપિયા થયું, જે 6.7 ટકાના CAGR (ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર) દર્શાવે છે. આ બજાર નાણાકીય વર્ષ 2029 સુધીમાં 76,900 કરોડ રૂપિયા સુધી પહોંચવાની ધારણા છે, જે 2025થી 2029 દરમિયાન 9.7 ટકાના CAGRનું પ્રતિનિધિત્વ કરે છે.જે.એમ. ફાઇનાન્સિયલ, ગોલ્ડમેન સૅક્સ (ઇન્ડિયા) સિક્યોરિટીઝ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સને વરમોરા ગ્રેનિટોના આ પ્રથમ જાહેર ઇશ્યૂનું સંચાલન કરવા માટે લીડ મેનેજર્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.