11 ઓગસ્ટ 1979ના રોજ મચ્છુ ડેમ-2 તૂટવાથી આવેલા પૂરે એક ઝાટકે મોરબીને તબાહ કરી દેતા હજારો લોકો-સેંકડો પશુઓ મોતના ખપ્પરમાં હોમાયા અને ઉદ્યોગ-ધંધાને ગંજાવર નુકશાન થયું હતુંમોરબી : મોરબી શહેરના ઇતિહાસમાં સૌથી વધુ કાળો દિવસ તરીકે ઓળખાતી અને વિશ્વની સૌથી મોટી જળપ્રલય ઘટના પૈકીની એક 11 ઓગસ્ટ, 1979ના રોજ સર્જાયેલ મચ્છુ જળપ્રલય દુર્ઘટનાએ મોરબીને આંખના પલકારામાં સ્મશાન ભૂમિ બનાવીને ભારે વિનાશ વેર્યો હતો. હજારો લોકોને મચ્છુના પુરે મોતની આગોશમાં સમાવી લીધા હતા અને સેંકડો પશુઓ પુરમાં તણાયા હતા. સેંકડો મકાનો તથા ઇમારતો ધરાશાયી થઇ હતી. ચારેકોર લટકતી માનવો તથા પશુઓની લાશ, સ્વજનોની યાદમાં ચોધાર આંસુએ રડતા લોકો તથા મૃત્યુ પામેલી માતા પાછળ રુદન કરતા બાળકોની ચિચિયારીઓથી મોરબી ખોફનાક સન્નાટાનું શહેર બની ગયું હતું. બિહામણી સ્મૃતિઓ છોડી જનાર જળપ્રલયની ઘટનાને આજે 46 વર્ષ પૂર્ણ થયા છે. આજે પણ મચ્છુ પૂરગ્રસ્તોની આંખોમાંથી આંસુના પુર વહે છે. 11 ઓગસ્ટ, 1979ના દિવસની વાત કરીએ તો એ દિવસે મોરબીમાં સામાન્ય જનજીવન હતું, પરંતુ ઉપરવાસના ભારે વરસાદને કારણે મહાકાય મચ્છુ-2 ડેમ તૂટવાની સાથે મોરબીમાં રીતસર મોતનું તાંડવ સર્જાયું હતું. મચ્છુના પૂર્ણ રાક્ષસી કાળના મોજા આખા શહેરમાં મોત બનીને ત્રાટકતાની સાથે મોરબી એકઝાટકે તબાહ થઇ ગયું હતું. ઘણા લોકોને તો બચવાની તક પણ મળી ન હતી. સેંકડો મકાનો, ઈમારતોને મચ્છુના પુરે એક ઝાટકે તહસનહસ કરી દીધા હતા. જીવ બચાવવા ભાગતા હજારો લોકોને પણ મચ્છુના પુરે સદાય માટે મોતની આગોશમાં સમાવી લીધા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જે બચી ગયેલા લોકો ઉંચાઈવાળી જગ્યાએ પહોંચ્યા ત્યાં પણ, મચ્છુએ મોતનો વિકરાળ પંજો ફેલાવતા સ્થળાંતરિત કરાયેલા અનેક લોકો પરિવાર સમેત મોતને ભેટ્યા હતા.મોરબીના ઇતિહાસમાં સૌથી વધુ કરૂણ અને ગોઝારી કહી શકાય તેવી આ ઘટનાની ભયાનકતા અને તબાહીની કલ્પના કરતા પણ ધ્રુજી ઉઠાય છે. પરંતુ એ દિવસે મચ્છુએ જે વિનાશ વર્ષો તેના લાચારી અને ભયાનકતાના દ્રશ્યો ભલભલાને કમકમાટી ઉપજાવી હતી. સેંકડો માનવ મૃતદેહો, વીજળીના તાર ઉપર લટકતી માનવ લાશો, હજારો જાનવરોના કોહવાય ગયેલા મૃતદેહો, ધ્વસ્ત થયેલા હજારો મકાનો, સ્વજનો તથા પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા હજારો મોરબીવાસીઓની આંખમાં ડોકાતો ભય, નજર સામેથી ન હટતા પ્રલયના બિહામણા દ્રશ્યો, ડૂબી ગયેલા અને દબાઈને દટાઈ ગયેલા પરિવારજનોને બચાવવા માટેની આખરી ક્ષણની ચીચીયારીઓના દર્દનાક આવાજોથી મોરબી એક ખોફનાક સન્નાટાનું શહેર બનીને રહી ગયું હતું. મચ્છુ જળ હોનારતમાં હજારો લોકો તથા પશુના મોત થયા હતા, તેમજ સેંકડો ઝુંપડા મકાનો અને મોટી ઇમારતો નાશ પામી હતી. જોકે, જળહોનારતની ઘટના બાદ મોરબીને બેઠું કરવા એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઇ જસભાઈ પટેલે મોરબીમાં સચિવાલય બનાવીને પૂરગ્રસ્તોમાટે અસરકારક કામગીરી કરી હતી. ત્યારબાદ ફિનીક્સ પંખીની મારફત બેઠા થઈને મોરબી શહેરે ખુમારી અને જિંદાદિલીથી આ શહેરનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજતું કરી દીધું છે. આ જળપ્રલય દુર્ઘટનાની આજે 46મી વરસી છે. ત્યારે હોનારતમાં નજર સામે ગુમાવેલા સ્વજનોની ભયાનક ક્ષણ યાદ આવતા અસરગ્રસ્તોની આંખમાંથી ભય સાથે આંસુના પૂર આજે પણ જોવા મળે છે.અસંખ્ય લોકોએ આખો પરિવાર ગુમાવ્યોમોરબીની વિનાશકારી જળ પ્રલયની દુર્ઘટનાને યાદ કરતા પૂરગ્રસ્તોએ ઘટના નજર સામે તાદ્દશ્ય થઈ હોય તેમ ધ્રુજી ઉઠે છે. વયોવૃદ્ધ પી.એમ.નાગવાડીયાનો એકનો એક વહાલસોયો દીકરો મચ્છુ પુરમાં ગુમાવ્યો હતો. આવા તો અનેક પરિવારો છે. જેમાં કોઈનો લાડકવાયો, કોઈનો ભરથાર તો કોઈનો માડીજાયો વીર કે કોઈનો આખો પરિવાર મચ્છુ જળ હોનારતમાં સદાયને માટે મોતની આગોશમાં સમાય ગયા હતા. આવી જ રીતે પૂરમાં દૂધીબેન બરાસરાના માતા-પિતા સહીતના 11 લોકોના મોત થયા હતા. તેમની કમનસીબી એ હતી કે પાણીથી બચવા કારખાનાની ઓફીસમાં બારણું બંધ કરીને અંદર પુરાયા હતા. પરંતુ પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે ઓફિસના દરવાજા તોડીને ઘુસી જતા 11 લોકોને મોતની આગોશમાં સમાવી લીધા હતા. આજે પણ હયાત સ્વજનોએ ઘટનાને યાદ કરીને પોતાના દિવગત સ્વજનોને શ્રદ્ધાંજલિ આપીને ફરી આવી કયારેય કુદરતી આપત્તિ ન આવે ન સર્જાય તે માટે ઈશ્વર સમક્ષ રીતસર પ્રાર્થના કરે છે.ફિનિક્સ પંખીની જેમ મોરબી રાખમાંથી બેઠું થયુંમોરબી શહેરે બે કુદરતી આપતીઓ સહન કરી છે. પહેલી કુદરતી આપતી મચ્છુ જળ હોનારત બાદ વિશ્વભરમાંથી સહાયનો ધોધ વરસ્યા બાદ મોરબી ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠું થયું હતું અને વિકાસની ક્ષિતીજો સર કરી હતી ત્યાં જ વર્ષ 2001માં ફરી કુદરતે થપાટ મારી હતી. અને કાળમુખા ભૂકંપ પછી પણ મોરબીવાસીઓની ખુમારી કે જિંદાદિલીમાં કોઈ ઓટ આવી નથી. બલ્કે બેવડા જોશથી દરેક મોરબીવાસીએ અકલ્પનીય વિકાસ સાધ્યો છે. જેના કારણે નાનકડું શહેર જીલ્લો બન્યુ છે અને દેશ જ નહિ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારે નામના મેળવી છે. સીરામીક અને ઘડિયાળ સહિતના ઉદ્યોગો આપબળે અકલ્પ વિકાસ સાધીને મોરબીને દેશ જ નહીં વિશ્વ સ્તરે કીર્તિ અપાવી છે.આજે મચ્છુ જળ હોનારત દિને મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અપાશેમોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ મચ્છુ હોનારતના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શોક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોક યાત્રા આજે બપોરે 3:30 કલાકે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની મેઈન ઓફિસ, ગાંધી ચોક ખાતેથી પ્રારંભ થશે. યાત્રા ગાંધી ચોકથી શાક માર્કેટ સર્કલ, શક્તિ ચોક થઈને સ્મૃતિ સ્તંભ (મણિમંદિરનું પટાંગણ) ખાતે સમાપ્ત થશે. જ્યાં દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. આ સાથે બે મીનીટનું મૌન પાળવામાં આવશે.