ગટર, રોડ, પાણી, સ્ટ્રીટ લાઇટ અને કોમન પ્લોટ જેવી સુવિધાના અભાવથી રહીશોને હાલાકી મોરબી: મોરબી જિલ્લાના મકનસર ગામમાં આવેલી ધર્મમંગલ સોસાયટીના આશરે ૧૪૦ જેટલા રહીશો દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ આવેદનપત્ર પાઠવીને પાયાની સુવિધાઓના અભાવ અંગે રજૂઆત કરવામાં આવી હતી. રહીશોનો આરોપ છે કે બિલ્ડરો દ્વારા બિન-ખેતીના નિયમો મુજબ મળવાપાત્ર સુવિધાઓ જેવી કે ગટર, રોડ, પાણી, સ્ટ્રીટ લાઇટ અને કોમન પ્લોટ જેવી એક પણ સુવિધા આપવામાં આવી નથી.અરજદારોએ જણાવ્યું હતું કે, તેમણે બિલ્ડરો પાસેથી મકાનો વેચાણ દસ્તાવેજ દ્વારા ખરીદ્યા છે અને તેમને જમીનના દસ્તાવેજો પણ કરી આપવામાં આવ્યા છે. જોકે, બિલ્ડરો દ્વારા પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં ન આવતા તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો આક્ષેપ કર્યો છે. રહીશોએ બિલ્ડરો સમક્ષ રજૂઆત કરતા તેમને યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો. બિલ્ડરોએ તેમને 'જેની પાસે જવું હોય ત્યાં જાવ, અમારું કાંઈ પણ ઉખેડી નહીં શકે' તેવો ઉદ્ધત જવાબ આપ્યો હોવાનું અરજદારોએ જણાવ્યું હતું.ત્યારબાદ, ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચ રેખાબેન અવચરભાઈ દેગામા સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે, સરપંચે તેમને અગાઉના સરપંચ માવજીભાઈ ભીખજીભાઈ દારોદ્રા પાસે જવા જણાવ્યું હતું, કારણ કે તે સમયે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સમયગાળામાં બિન-ખેતીકરણ થયું હતું.આ અંગે, ધર્મમંગલ સોસાયટીના રહીશો સામૂહિક રીતે ન્યાય માટે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમજ તેમની સમસ્યાનું સમાધાન લાવવા માંગ કરાઈ છે.