મોરબી : વર્ષ 1979માં 11 ઓગસ્ટના રોજ મોરબીમાં થયેલા ભયાનક મચ્છુ જળ હોનારતની આજે વરસી છે. ત્યારે જળ હોનારતમાં જીવ ગુમાવનાર જીવાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવવા મોરબીના વજેપર સ્થિત રામજી મંદિરે 24 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. ગત 10 ઓગસ્ટના રોજ રાત્રે 9 વાગ્યાથી આજે 11 ઓગસ્ટના રોજ રાત્રે 9 વાગ્યા સુધી આ અખંડ રામધૂન ચાલશે. જેમાં રામધૂન કરીને હોનારતમાં જીવ ગુમાવનારના આત્માને શાંતિ મળે તે માટે પ્રભુ પાસે પ્રાર્થના કરવામાં આવી રહી છે.આ અંગે વજેપરના દિલીપભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, તારીખ 10 ઓગસ્ટના રોજ રાત્રે 9 વાગ્યાથી રામધૂનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આજે તારીખ 11 ઓગસ્ટે રાત્રે 9 કલાક સુધી રામધૂન ચાલશે. મચ્છુ પૂર હોનાતરમાં જીવ ગુમાવનારના આત્માઓને શાંતિ મળે અને શ્રદ્ધાંજલિ અર્પી શકાય તે હેતુથી દર વર્ષે 24 કલાકની અખંડ રામધૂન કરવામાં આવે છે. પૂર હોનારત વખતે વજેપરના રામજી મંદિરના ચોકમાં અનેક લોકોના મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. જેથી તેઓના આત્માને શાંતિ મળે તે માટે આ 24 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.