૯૩% કામદારોનો ESI, ૯૨% કામદારોનો PF અને ૯૦% કામદારોને પગાર પાવતી આપવામાં આવતી ન હોવાનું સર્વેમાં સામે આવ્યુંમોરબી: મોરબીમાં કામદારો સાથે કાર્ય કરતી એક સ્વૈચ્છિક સંસ્થા પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. 'કેદમાં કાયદા' શીર્ષક હેઠળ પ્રકાશિત થયેલા આ અહેવાલ મુજબ, મોરબીમાં સામાજિક સુરક્ષા કાયદાઓનું વ્યાપક ઉલ્લંઘન થઈ રહ્યું છે અને મોટાભાગના કામદારોને તેમના હકથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.વડોદરાની સંસ્થા પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના મોરબી અને સુરેન્દ્રનગરના પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર ચિરાગભાઈએ જણાવ્યું હતું કે આ અભ્યાસમાં ૨૯૦ જુદા જુદા એકમોમાં કામ કરતા ૨૦૦૦ કામદારો (૧૭૭૬ પુરુષ અને ૨૨૪ મહિલા)નો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પૈકી ૮૭૯ (૪૪%) સ્થાનિક અને ૧૧૨૧ (૫૬%) સ્થળાંતરિત કામદારો હતા. અભ્યાસમાં સામે આવ્યું કે ૯૩% કામદારોનો ESI (કર્મચારી રાજ્ય વીમા) કાયદા હેઠળ ફાળો કાપવામાં આવતો નથી. તેમજ ૯૨% કામદારોનો PF કાપવામાં આવતો નથી. અને ૯૦% કામદારોને પગાર પાવતી (પે સ્લિપ) આપવામાં આવતી નથી.ઉલ્લેખનીય છે કે, સર્વે કરાયેલા તમામ એકમો ESI કાયદા હેઠળ સૂચિત (નોટિફાય) થયેલા વિસ્તારમાં આવેલા છે, જ્યાં ૧૦થી વધુ કામદારો કાર્યરત છે અને તેમનો માસિક પગાર રૂ. ૨૧,૦૦૦ કે તેથી ઓછો છે – જે ESI કાયદો લાગુ પડવા માટેની જરૂરી શરતો છે.અભ્યાસ દર્શાવે છે કે ઉદ્યોગોમાં પુરુષ અને મહિલા કામદારો તેમજ સ્થાનિક અને સ્થળાંતરિત કામદારો વચ્ચે ભેદભાવ જોવા મળે છે. ૧૧૨૧ સ્થળાંતરિત કામદારો પૈકી માત્ર ૪૦ (૩.૫%) કામદારોને જ ESI કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. કામદારો સરેરાશ રૂ. ૧૫,૯૪૩/- વેતન મેળવે છે, પરંતુ મહિલાઓને ઓછું વેતન મળે છે. જે કામદારોનો ESI ફાળો કપાય છે, તેમને પણ ઓળખકાર્ડ ન મળવાને કારણે તેઓ આ કાયદા હેઠળ મળવાપાત્ર લાભોથી વંચિત રહે છે. પગાર પાવતી કે ઓળખકાર્ડના અભાવે કામદારો અકસ્માત કે વ્યવસાયિક રોગના કિસ્સામાં અપંગતા માટે કોઈ કાયદા હેઠળ વળતરનો દાવો કરી શકતા નથી.અહેવાલમાં જણાવાયું છે કે, મોરબીમાં ૧૯૬૭થી ESI કાયદાના અમલ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હોવા છતાં, ૫૮ વર્ષ બાદ પણ ઉદ્યોગો કાયદાનું પાલન કરતા નથી. કામદાર સંગઠનોના અભાવને કારણે પણ આ મુદ્દે મજબૂત અવાજ ઉઠાવી શકાતો નથી. જે અંગે આ સંસ્થા આવનારા સમયમાં કામદારોને સાથે રાખી ESIના હેડ, શ્રમ વિભાગ તેમજ સંબંધિત ખાતાઓમાં રજૂઆત કરશે. તેમજ કાયદાનો ચોક્કસપણે અમલ થાય તેવું કાર્ય કરશે.