પાંચ વર્ષ જુના મર્ડર કેસમાં સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદોમોરબી : મોરબીમાં પાંચ વર્ષ પૂર્વે બાઇક રાખવા જેવી નજીવી બાબતે પાડોશીને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેનાર શખ્સને કોર્ટે કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી ધાક બેસાડતો ચુકાદો જાહેર કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.૩૧/૭/૨૦૨૦ના રોજ સાંજના સમયે મોરબીના નવા ડેલા રોડ ઉપર ઘાંચી શેરીમાં રહેતા અનીશભાઇને આરોપી જાબીર સીદિકભાઇ પીલુડીયા સાથે શેરીમા ઘર પાસે મોટર સાયકલ રાખવા બાબતે બોલાચાલી થતા આરોપી જાબીરને સારૂ નહિ લાગતા આરોપીએ ગાળો આપી એકદમ ઉશ્કેરાઇ જઇ શરીરે છરીથી આડેધડ ઘા મારી જીવલેણ ઇજાઓ કરી હત્યા નિપજાવી હતી. આ મામલે મૃતકના નાના ભાઈ સકિલભાઇ રફીકભાઇ પીઠડીયાની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ કેસ મોરબી સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી જાબીરભાઈ સીદીકભાઈ પીલુડીયા ઉ.વ.-૨૮, ધંધો:-કપડાની લારી, રહે.નવા ડેલા રોડ, ઘાંચી શેરી, ફારૂકી મસ્જીદવાળી શેરી, મોરબીવાળાને તકસીરવાન ઠેરવી આજિવન કેદની સજા ફટકારી છે. સાથે આરોપીને રૂા. ૧૦,૦૦૦/- દંડ ભરવાનો અને દંડ નહી ભરે તો વધુ બે વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ વી.સી.જાની રોકાયેલ હતા.