મોરબી : મોરબી તાલુકાની લીલાપર પ્રાથમિક શાળાએ વર્ષ 2024-25 દરમિયાન યોજાયેલા 'સક્ષમ શાળા” કાર્યક્રમ અંતર્ગત ઓવરઓલ કેટેગરીમાં જિલ્લા કક્ષા પ્રાથમિક (ગ્રામ્ય) શ્રેણીમાં દ્વિતીય નંબર અને મોરબી તાલુકા કક્ષાએ પ્રથમ નંબર હાંસલ કરી ગામનું નામ ગૌરવ વધાર્યું છે. શાળાની શૈક્ષણિક ગુણવત્તા, વિદ્યાર્થીઓની પ્રગતિ, સહપાઠ્ય પ્રવૃત્તિઓ, પર્યાવરણ જાળવણી, નવીન પ્રયોગો તેમજ સર્વાંગી વિકાસ જેવા મુદ્દાઓ પર આધારિત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ સિદ્ધિમાં શિક્ષકમંડળ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોનો મહત્વપૂર્ણ સહયોગ રહેલો છે. ગ્રામજનો તથા SMC સભ્યોએ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમ સમગ્ર શિક્ષા અભિયાનના નેજા હેઠળ જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીનાં અધ્યક્ષ સ્થાને અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતા મેડમ તથા મોરબી જિલ્લાના સમગ્ર તાલુકાના TPEO અને BRC તથા જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના સમગ્ર સંઘના હોદ્દેદારોની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું. સક્ષમ શાળા વિશે ટૂંકો પરિચય“સક્ષમ શાળા” એ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ એક પ્રણાલી છે, જે શાળાઓના ગુણવત્તાપૂર્ણ શિક્ષણ, સુવિધાઓ, શૈક્ષણિક પરિણામો અને સર્વાંગી વિકાસના માપદંડો પર મૂલ્યાંકન કરે છે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી શાળાને બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરે એવોર્ડ આપવામાં આવે છે.