જામનગર માટે મીની બસના બદલે મોટી બસ અને રાજકોટ માટે ટ્રાફિક મુજબ બસો દોડાવાશે મોરબી: રક્ષાબંધનના તહેવારને લઈને મોરબીના જૂના અને નવા, એમ બંને એસ. ટી. બસ સ્ટેન્ડ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને જૂના બસ સ્ટેન્ડ ખાતે ભીડ ઉમટી છે. રાજકોટ અને જામનગર સહિતના વિવિધ સ્થળોએ જવા માટે મોટી સંખ્યામાં મુસાફરો ઉમટી પડ્યા છે. સામે બસો ઓછી હોવાના કારણે મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા હોવાની પણ માહિતી મળી રહી છે. આ અંગે મોરબી ડેપો મેનેજર પઢારિયાએ જણાવ્યું હતું કે, મુસાફરોની સુવિધા માટે જામનગર માટે મીની બસના બદલે મોટી બસ ફાળવવામાં આવી છે, અને રાજકોટ માટે પણ ટ્રાફિકની જરૂરિયાત મુજબ બસો દોડાવવામાં આવી રહી છે. ડેપો મેનેજરે વધુમાં ઉમેર્યું હતું કે, વધારાના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આજે સાંજે વધુ એક બસ પણ ઉમેરવામાં આવી છે. ડેપો મેનેજરના જણાવ્યા અનુસાર દરરોજ મોરબી, વાંકાનેર અને ચોટીલા ડેપો સહિતના ડેપોમાંથી રાજકોટ માટે કુલ 120 જેટલી બસો દોડાવવામાં આવે છે. હજુ જરૂર પડ્યે બસો વધારવામાં આવશે.