અન્ય વિસ્તારોમાં ગરબા ક્લાસિસ શરૂ થાય તો પણ શરત એ રહેશે કે પાટીદાર બહેન-દીકરીઓને પ્રવેશ નહિ આપવાનો : દરેક ક્લાસિસમાં લેડીઝને લેડીઝ જ ગરબા શીખવશે, બેચનો સમય પણ અલગ રાખવાનો કોઈ પણ સમાજની દીકરી સાથે જો ગરબા ક્લાસિસમાં ખોટું થશે તો અમે કાયદો હાથમાં લેતા ખચકાશુ નહી : આ નિર્ણય કોઈ એકનો નહિ પણ સિરામિક પરિવાર, પાટીદાર સમાજ, પાટીદાર યુવા ગ્રુપ અને મહિલાઓનો છે : મનોજ પનારાની જાહેરાતમોરબી : મોરબીના ડિસ્કો દાંડિયા ક્લાસના વિરોધમાં પાટીદાર સમાજ દ્વારા જનક્રાંતિ સભાના આયોજન બાદ સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. તેવામાં પાટીદાર સમાજ હજુ પણ આ મુદ્દે ઉગ્ર છે. જેથી આજે મોરબીના પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારોમાં ગરબા ક્લાસિસ ઉપર જ પ્રતિબંધ મુકવાનો નિર્ણય સિરામિક પરિવાર, પાટીદાર સમાજ, પાટીદાર યુવા ગ્રુપ અને મહિલાઓ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે પાટીદાર અગ્રણી મનોજ પનારાએ વિગતો આપતા જણાવ્યું કે કાલે રાત્રે મિટિંગ થઈ હતી. જેમાં સિરામિક પરિવાર, પાટીદાર સમાજ, પાટીદાર યુવા ગ્રુપ અને મહિલાઓએ નિર્ણય લીધો છે કે મોરબીના રવાપર રોડ, એસપી રોડ સહિતના પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારોમાં કોઈ પણ ગરબા ક્લાસિસ ચલાવવામાં નહિ આવે. જો કોઈ બળજબરીથી ચાલુ કરશે તો તેને પરિણામ ભોગવવું પડશે. કાયદો હાથમાં લેવો પડે તો અમે લેશું. કોઈ ગરબા ક્લાસિસ ગેરકાનૂની રીતે ચલાવતું હશે તો સંપૂર્ણ પણે બંધ કરાવવામાં મોરબીના તમામ સમાજ અમને સહયોગ આપે. હવે અસામાજિક કામ કરશે તો મોરબીના લોકો સહન નહિ કરે. કાયદાના પાલન સાથે ગાઇડલાઈન સાથે ગરબા ચાલતા હશે તો પણ પાટીદારોને પ્રવેશ આપવાનો નથી. વૈકલ્પિક વ્યવસ્થા એ છે કે પાટીદાર બહેનો બસ સ્ટેન્ડ પાછળ છાત્રાલય ખાતે ગરબા શીખી શકશે. આ ઉપરાંત શીખવવા વાળાની રોજગારીને અસર ન થાય એટલે જે તે સોસાયટીમાં, સમાજ વાડીમાં કે કોઈ અમારી જગ્યાએ શીખવવાની છૂટ રહેશે.પાટીદાર વિસ્તાર સિવાયના વિસ્તારોમાં તમામ નિયમોના પાલન સાથે ક્લાસિસ ચલાવી શકાશે પણ સંપૂર્ણ જવાબદારી સાથે ક્લાસિસ ચલાવવાના રહેશે. દાંડિયા કલાસના સંચાલકની જવાબદારી રહેશે કે કોઈ પણ દીકરી સાથે છેડછાડ ન થવી જોઈએ. તેનું ભવિષ્ય ન બગડે તેવું કઈ ન થવું જોઈએ. ઉપરાંત ફરજીયાત બહેન- દીકરીઓની અલગ બેચ હોવી જોઈએ. બહેનોને શીખવનાર બહેનો જ હોવી જોઈએ. બેચનો સમય પણ અલગ રહેવો જોઈએ. અમે ગરબાના વિરોધી નથી. પણ તેની આડમાં ગેરકાનૂની પ્રવૃત્તિ થઈ રહી છે તેનો વિરોધ છે. તાજેતરમાં જનક્રાંતિ સભા યોજી તેનો અમને ઠેર ઠેરથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અમે ગરબા એસોસિએશન સાથે મિટિંગ કરી છે. તેમાં કરી મોટાભાગના મિત્રોએ આ નિર્ણયોની હા પાડી છે. છતાં પણ કોઈ દીકરી સાથે ખરાબ વ્યવહાર થશે અમે કાયદો હાથમાં લેશું. પહેલા હાથ જોડીને વિનંતી કરીશું. પછી કાયદો હાથમાં લેવો પડે તો લેશું. આ નિર્ણયને અમારૂ સમર્થન છે : ગરબા કલાસ એસો.ના ભાસ્કર પૈજાભાસ્કર પૈજાએ જણાવ્યું કે પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા એક બેઠક હતી. જેમાં ગરબા એસોસિએશનના કોરિયોગ્રાફરોને બોલાવવામાં આવ્યા હતા. એમના સારા એવા નિર્ણય છે. જે અમને ગમ્યા છે અને અમે એને સમર્થન આપીએ છીએ. પાટીદાર સમાજના લોકો ત્યાં ગરબા શીખવા આવે તેના બદલે તેમની પ્રિમાઇસીસમાં ગરબા શીખવીએ. ક્લાસિસમાં ઘણી એવી ઘટના અમારી જાણ બહાર પણ બનતી હોય છે. આવી ઘટનાને ડામવા માટે સારો પ્રયાસ છે. નોન પાટીદાર લોકો છે તેમના માટે ક્લાસિસ રેગ્યુલર શરૂ રહેશે, પણ અગ્રણીઓના માર્ગદર્શન મુજબ લેડીઝની બેચ હશે તેમા લેડીઝ શીખવે અને જેન્ટ્સની બેચમાં જેન્ટ્સ શીખવી શકે. ફેમિલી બેચ હોય, કપલ બેચ હોય તેમાં એક સાથે શીખવી શકાય. અમે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.