ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજય ઝાલરીયાની રજુઆતમોરબી : મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજય ઝાલરીયા દ્વારા પદાધિકારીઓ અને અધિકારીઓને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં ટંકારા-લતીપર રોડ પર આવેલા સ્ટેટ હાઈવે નંબર 22 પરના આજી ડેમ બ્રિજના તાત્કાલિક સર્વેક્ષણ, સમારકામ અને તેને ફોર-ટ્રેક બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે.ઝાલરીયાએ જણાવ્યું કે મળેલી માહિતી મુજબ, આજી ડેમ પરનો પુલ મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ તેમજ જામનગર, દ્વારકા, પોરબંદર જેવા વિવિધ જિલ્લાઓને જોડતો એક મહત્વપૂર્ણ કનેક્ટિવિટી માધ્યમ છે. આ બ્રિજ સૌરાષ્ટ્રના રોડ પરિવહનનું એક મુખ્ય કેન્દ્ર હોવાથી તેના પરથી ભારે વાહનવ્યવહાર, પ્રવાસન અને જાહેર પરિવહન ચાલે છે. ત્યારે આ પુલનું સરકારી ધારાધોરણ મુજબ સરકારી એજન્સી દ્વારા નિરીક્ષણ કરીને, સ્ટાન્ડર્ડ અને સેફ્ટી ચેકિંગ બાદ રિપોર્ટ તૈયાર કરવો અત્યંત જરૂરી છે. જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના ટાળવા માટે તાત્કાલિક સમારકામ અને રિપેરિંગ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત ઝાલરીયાએ લોકસંપર્ક અને સુવિધાને ધ્યાનમાં રાખીને હાલના ડબલ ટ્રેકના પુલને નવરચના કરીને ફોર-ટ્રેક પુલમાં પરિવર્તિત કરવા જણાવ્યું હતું. તેમણે રાજ્ય સરકારના પદાધિકારીઓ અને મોરબી જિલ્લાના પ્રશાસનને આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.