માર્કેટમાં રાખડીઓની અંદાજે 2500 વેરાયટી : ફેરિયાઓને કારણે વેપારીઓને ઘરાકી ઘટી : છેલ્લી ઘડીએ લોકલ ખરીદી નીકળીમોરબી : આગામી તા.9ને શનિવારે રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે ત્યારે મોરબી શહેર-જિલ્લામાં આ વર્ષે રૂપિયા અંદાજે એક કરોડની રાખડીનું વેચાણ થવાની શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. જો કે, છેલ્લા વર્ષોમાં ફેરિયાઓ શેરીએ શેરીએ રાખડી વેચાણ માટે જતા હોવાથી વેપારીઓના ધંધાને સીધી જ અસર પડી છે અને વ્યાપાર ઘટયા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જો કે,ક્વોલિટી રાખડીની ખરીદી અકબંધ હોવાનું અને હવે છેલ્લી ઘડીએ લોકલ ઘરાકી નીકળતા વેપારીઓને સારા વ્યાપારની આશા ફળીભૂત થઇ રહી છે.સીરામીક નગરી મોરબીમાં લોકલ ઉપરાંત પરપ્રાંતીય પ્રજાજનો રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરતા હોય દર વર્ષે અંદાજે 70 લાખથી લઈ એક કરોડની રાખડીનું વેચાણ થાય છે. ચાલુ વર્ષે પણ મોરબીની બજારમાં રાખડીની વિવિધ અવનવી વેરાયટીઓએ જમાવટ કરી છે. સ્થાનિક વેપારી દીપકભાઈ પોપટના જણાવ્યા મુજબ આ વર્ષે મોરબી શહેરમાં રાખડીની અંદાજે 2500 જેટલી વેરાયટી ઉપલબ્ધ છે અને રૂપિયા 1.50 થી લઈ રૂપિયા 600 સુધીની રાખડીઓ વેચાણ થઇ રહી છે. જો કે, મોટાભાગના લોકો 50થી 100 રૂપિયાની રેન્જ વાળી રાખડી વધુ પસંદ કરતા હોય છે. દીપકભાઈએ ઉમેર્યું હતું કે, છેલ્લા વર્ષોમાં શેરી ગલીમાં ફેરિયાઓ રાખડીનું વેચાણ કરી રહ્યા હોય વેપારીઓના વ્યાપારને અસર પડી છે.બાળકોમાં કાર્ટૂન-સ્પિનર રાખડીની ધૂમમોરબીની બજારમાં અવનવી રાખડીઓમાં વિશેષતઃ બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર વાળી રાખડી તેમજ સ્પિનર રાખડી વધુ ચાલે છે. વેપારીના જણાવ્યા મુજબ બાળકો માટે લાઇટવાળી, ટેડીબીયર, સ્પાઇડરમેન, પબજી, ડોરેમોન, સહિતના વિવિધ કાર્ટૂન પાત્રોની રાખડી વધુ વેચાણ થઇ રહી છે. બાળકો માટેની રાખડી રૂપિયા 50 સુધીની રેન્જમાં મળી રહી છે.ભાઈ-ભાભી રાખડીની ઉંચી ડિમાન્ડમોરબીની બજારમાં હાલમાં અવનવી રાખડીઓની સાથે ભાઈ-ભાભી રાખડીની વધુ ડિમાન્ડ છે. રૂપિયા 30થી લઈ 480 સુધીની ભાઈભાભી રાખડીમાં અમેરિકન ડાયમંડ, ચાંદીની રાખડી, બ્રેસલેટ અને અવનવા મોતી લટકણ સાથેની રાખડી ચાલુ વર્ષે બજારમાં વધુ આવી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.ચાંદીની રાખડીનું પણ ધૂમ વેચાણમોરબીમાં સાદી રાખડીની સાથે ચાંદીની રાખડીનું ચલણ પણ વધ્યું છે. મોરબીના સોની વેપારી નિલેશભાઈ પારેખ જણાવે છે કે, ચાંદીની રાખડીની 200થી વધુ વેરાયટી માર્કેટમાં ઉપલબ્ધ છે. રૂપિયા 500થી લઈ 5000સુધીની રેન્જમાં ચાંદીની રાખડી વેચાણ થઇ રહી છે જેમાં રુદ્રાક્ષના પારાવાળી રાખડી તેમજ અન્ય ડિઝાઈનની રાખડી વેચાણ થઇ રહી છે.મોરબીમાં ચાંદીની રાખડીનું રૂપિયા 10 થી 15 લાખનું વેચાણ થતું હોવાનું તેમને જણાવ્યું હતું.રક્ષાબંધને 2000 કિલો મીઠાઈ વેચાશેમોરબીમાં રક્ષાબંધન પર્વે ભાઈને કાંડે રાખડી બાંધવાની સાથે બહેન મોં મીઠું કરાવવા માટે પેંડા અને કાજુ કતરી જેવી મીઠાઈ સાથે લઇ જતી હોય રક્ષાબંધન પર્વે અંદાજે 2000 કિલોગ્રામ મીઠાઈનું વેચાણ થતું હોવાનું મીઠાઈના વેપારી દીપકભાઈ કાલાવડીયાએ જણાવ્યું હતું. કે રક્ષાબંધન પર્વમાં સૌથી વધુ ઉપાડ પેંડા અને કાજુકતરીની હોય છે. કમસે કમ 1000 કિલો પેંડા અને 300 કિલોથી વધુ કાજુ કતરીનું વેચાણ થશે સાથે જ બપોરે જમણવારમાં બાસુંદી, બંગાળી મીઠાઈ, રસપાત્રા અને ખમણનો પણ મોટાપ્રમાણમાં ઉપાડ થતો હોવાનું તેમને જણાવ્યું હતું.રક્ષાબંધને મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ માટે નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિ યોજાશેમોરબી : દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે મોરબીમાં નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિનું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રી વિપુલભાઈ પી. શુક્લની યાદીમાં જણાવાયું છે કે, મોરબી શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ઉપક્રમે શ્રાવણ સુદ પુનમ ને શનિવારે તારીખ 9 ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસે સવારે 8-30 કલાકે શ્રી મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ, બાલમંદિર સામે, વાંકાનેર દરવાજા બહાર, મોરબી ખાતે નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિનું આયોજન કર્યું છે. આ શ્રાવણી પર્વ એટલે ભૂદેવોની દિવાળી કહેવાય છે માટે મોરબીના સમસ્ત બ્રાહ્મણનોને જનોઈ બદલાવવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.