રૂ.૧ કરોડ ૭૬ લાખના ખર્ચે રસ્તાનું કામ તેમજ ૧૫ લાખના ખર્ચે નવી પાઈપલાઈન નાખવાનું કામ પણ શરૂ : ટ્રાફિક સમસ્યા ન સર્જાઈ તે માટે કટકે કટકે રોડ બનાવાશે મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં અનેક રોડ સહિતના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે પૈકીના એલ.ઈ. કોલેજ ગેટથી નટરાજ ફાટક સુધીના મુખ્ય માર્ગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ રોડ રૂ. ૧ કરોડ ૭૬ લાખના ખર્ચે આ રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ કામગીરીને પગલે આ વિસ્તારના વાહનચાલકો અને રાહદારીઓ માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે.પ્રાથમિક તબક્કે, એલ.ઈ. કોલેજ ગેટથી ફ્લોરા જવાના રસ્તા સુધીનું કામ હાથ ધરાયુ છે. આ ભાગનું કામ પૂર્ણ થયા બાદ બાકીના રોડની કામગીરી આગળ વધારવામાં આવશે. આ માર્ગ પર અગ્નેશ્વર મહાદેવ મંદિર, મેલડી માતાનું મંદિર અને એલ.ઈ. કોલેજ જેવી મહત્વની સંસ્થાઓ આવેલી હોવાથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. રોડ નિર્માણ કાર્યને કારણે મહાપાલિકા દ્વારા આ રસ્તો હાલમાં બંધ કરવામાં આવ્યો છે. તેમજ નાગરિકોની સુવિધા માટે મહાપાલિકાએ નટરાજ ફાટકથી ફ્લોરા તરફનો રસ્તો અવરજવર માટે ઉપયોગમાં લેવા જણાવ્યું છે. જે લોકો એલ.ઈ. કોલેજ તરફથી અગ્નેશ્વર મહાદેવ આવવા માંગે છે તેમને પણ ફ્લોરાવાળા રસ્તાનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.આ રોડ નિર્માણની સાથે સાથે, વિસ્તારમાં વારંવાર ઉભરાતી પાણીની પાઈપલાઈનની સમસ્યાના નિરાકરણ માટે રૂ. ૧૫ લાખના ખર્ચે નવી પાઈપલાઈન નાખવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. મહાપાલિકાના અધિકારીઓ દ્વારા જણાવ્યા અનુસાર, આ સમગ્ર પ્રોજેક્ટ ત્રણ મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.