ફાસ્ટટેગમાંથી પેમેન્ટ કપાઈ જતું હોવા છતાં ટ્રક ચાલકોને હેરાનગતિ વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રીથી કચ્છને જોડતા નેશનલ હાઇવે ઉપર વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ખાતે ટોલનાકાના કર્મચારીઓ દ્વારા ટ્રક ચાલકો પાસેથી ટોલટેક્સ ઉપરાંત ઓવરલોડના નામે વધારાનો ટોલ ઉઘરાવવામાં આવતો હોવાથી બુધવારે સાંજના સમયે ટ્રક ચાલકોએ ટ્ર્કના પૈડાં થંભાવી દઈ ચક્કાજામ કરતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકા ખાતે લાંબા સમયથી ટોલનાકાના કર્મચારીઓ દ્વારા ટ્રક ચાલકો પાસેથી ટોલટેક્સ ઉપરાંત ઓવરલોડ વાહનના નામે વધુ નાણાં ઉઘરાવવામાંઆવતા હોવાથી બુધવારે સાંજના સમયે રોષે ભરાયેલા ટ્ર્ક ચાલકોએ પોતાના ટ્રક ટોલનાકે ઉભા રાખી દઈ ટોલબુથ સંચાલકોની મનમાની સામે અવાજ ઉઠાવ્યો હતો. ટ્રક ચાલકોએ આરોપ લગાવ્યો હતો કે તાજા ભૂતકાળમાં જ ટ્રક ખાલી હોવા છતાં ટોલબુથ ઉપર ટ્રકને અટકાવી ઓવરલોડ ચાર્જ વસૂલવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ અંગે વાંકાનેર પોલીસે જણાવ્યું કે ટોલનાકામાં ઓવર લોડ વાહનોને દંડ કરવો પડે. લોકલ ટ્રાન્સપોર્ટવાળાની માંગ હતી કે અમારો દંડ ન લ્યો. જેથી ટ્રાફિકજામ કરવામાં આવ્યો હતો. અત્યારે હાઇવે ઓથોરીટીના અધિકારી સાથે વાત કરી પછી નિર્ણય લેવાનું નક્કી કરાયું છે. હાલ ટ્રાફિક ક્લિયર કરાવી નાખવામાં આવ્યો છે.