કસ્ટમ એક્સાઇઝ અને ગ્રાઉન્ડ વોટર મામલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સમક્ષ રજુઆત મોરબી : સીરામીક પ્રોડક્ટમાં 18 ટકાને બદલે 5 ટકા જીએસટી ટેક્સ કરવાની કેન્દ્રીય નાણામંત્રી સમક્ષ માંગણી કરવામાં આવ્યા બાદ મોરબી સીરામીક એસોશિએશન દ્વારા કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાને રૂબરૂ મળી મોરબીના ઉદ્યોગકારોના વિદેશમાં ખોટા થતા પેમેન્ટ તેમજ એક્સાઇઝ અને કસ્ટમ મામલે રજુઆત કરી પ્રશ્ન ઉકેલવા માંગણી કરવામાં આવી હતી.મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ સહિતના અગ્રણીઓ પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારિયાને સાથે રાખી સંસદ ભવન દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા સમક્ષ રજુઆત કરતા જણાવ્યું હતું કે,મોરબી સિરામિક ક્લસ્ટરમાંથી વાર્ષિક 20 હજાર કરોડથી વધુની સીરામીક પ્રોડ્કટની નિકાસ થાય છે જેમાં બાયર દ્વારામોટા પ્રમાણમાં પેમેન્ટ ખોટા થાય છે જેથી આ ફસાયેલા પેમેન્ટનો ઉકેલ લાવવા માંગણી કરવામાં આવી હતી.વિદેશ વ્યાપારના આ ગંભીર મુદ્દે કેન્દ્રીય મંત્રીએ હકારાત્મક અભિગમ અપનાવી ભારત સરકાર દ્વારા તમામ મદદ કરવા ખાતરી આપી હતી. સાથે જ અધિકારીઓ સાથે વાત કરી આગળની કાર્યવાહી કરવા સંબંધિત વિભાગને સુચના આપી હતી. આ ઉપરાંત મોરબી સીરામીક એસોશિએશન દ્વારા કેન્દ્રીય મંત્રી માંડવીયા સમક્ષ કસ્ટમ તથા એક્સાઇઝના જુનો પ્રશ્નો અને ગ્રાઉન્ડ વોટરમાં બોરવેલ બાબતે આવેલી નોટીસ બાબતે રજુઆત કરી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સમક્ષ રજુઆત સમયે પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, સાંસદ વિનોદભાઈ ચાવડા અને રાજેશભાઇ ચુડાસમા સાથે રહ્યા હતા અને સંબંધિત પ્રશ્નો બાબતમાં ઉંડાણપુર્વક ચર્ચા કરી હતી. સાથે જ આગામી સમયમાં સંબંધિત મંત્રાલયમાં ફોલોઅપ લઇ પ્રશ્નોના નિરાકરણ માટે ફરી વખત એસોસિએશનને બોલાવી તમામ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલની ખાતરી આપવામાં આવી હતી.