કોન્ટ્રાક્ટરો અને સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્ક કરીને લાઇટો ચાલુ કરવાનું કામ એક જ અઠવાડિયામાં પૂર્ણ કરાયું ટંકારા : રાજકોટ-મોરબી હાઈવે પર આવેલા ટંકારા ઓવરબ્રિજ તેમજ ટંકારા પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરી સામે લાંબા સમયથી બંધ પડેલી સ્ટ્રીટ લાઈટો આખરે ચાલુ થઈ ગઈ છે, જેનાથી નગરજનોમાં આનંદની લાગણી છવાઈ છે. પાટીદાર સમાજના અગ્રણી અને સમાજસેવી મહેશ રાજકોટીયાના અથાગ પ્રયાસોને કારણે આ 'અશક્ય' લાગતું કાર્ય એક જ અઠવાડિયામાં પૂર્ણ થયું છે.છેલ્લા સાત વર્ષથી ટંકારા ઓવરબ્રિજ પર ફીટ કરાયેલી સ્ટ્રીટ લાઈટો ખામીયુક્ત હતી, જેના કારણે આ વિસ્તારમાં અંધકાર છવાયેલો રહેતો હતો. આ ઉપરાંત, પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરી સામેના સ્ટ્રીટ લાઈટના થાંભલા પણ વર્ષોથી નિષ્ક્રિય હતા. આ મુદ્દે નગરજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે નિરાશા પ્રવર્તી હતી. ઘણા નાગરિકો તો રાજકીય આગેવાનોને 'કાગળના વાઘ' ગણી રજૂઆત કરવાનું ટાળતા હતા.આવા સંજોગોમાં પાટીદાર સમાજના અગ્રણી અને સમાજસેવી મહેશ રાજકોટીયાએ લોકોની મુશ્કેલી સમજીને અંગત રસ દાખવ્યો. તેમણે કોન્ટ્રાક્ટરો અને સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્ક કરીને લાઈટો ચાલુ કરાવવા માટે અથાગ પ્રયાસો કર્યા. તેમની દ્રઢ ઈચ્છાશક્તિ અને નિષ્ઠાના પરિણામે, માત્ર એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં ઓવરબ્રિજ સહિતના તમામ સ્થળોએ સ્ટ્રીટ લાઈટો ફરીથી પ્રકાશિત થઈ ગઈ.આ પ્રયાસોને કારણે ટંકારા નગરના રહીશોમાં ખુશીનો માહોલ છવાયો છે. મહેશ રાજકોટીયાની આ લોકલક્ષી કામગીરીને સ્થાનિક નાગરિકોએ બિરદાવી છે અને તેમના અથાગ પ્રયત્નોની સરાહના કરી છે. આ ઘટના સાબિત કરે છે કે સાચી લગન અને નિષ્ઠાથી કરાયેલા પ્રયાસો હંમેશા રંગ લાવે છે.