રશિયા સાથેના વ્યાપારને કારણે રોષે ભરાયેલ ટ્રમ્પે વધુ 25 ટકા ટેરિફ ઝીકવા નિર્ણય કર્યો મોરબી : ભારત-અમેરિકા વચ્ચે મુક્ત વ્યાપારની આશાઓ ઉપર હાલના સંજોગોમાં પાણી ફરી વળ્યું છે. 1લી ઓગસ્ટથી ભારત ઉપર અમેરિકાએ 25 ટકા ટેરિફ લગાવવા જાહેર કર્યા બાદ 7 ઓગસ્ટ સુધી નિર્ણય પાછો ઠેલ્યા બાદ બુધવારે ગિન્નાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ 25 ટકા ટેરિફ લાદવા નિર્ણય કરી ભારતથી આયાત થતી ચીજવસ્તુઓ પર 50 ટકા ટેરિફ લાદવા જાહેર કરતા સીરામીક ઉદ્યોગ માટે ચિંતાના વાદળો ઘેરાયા છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વભરના દેશો ઉપર ટેરિફ લગાવી રહ્યા છે જેમાં 1લી ઓગસ્ટથી ભારત ઉપર અગાઉ 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરનાર ટ્રમ્પે બુધવારે આ નિર્ણયમાં ફેરફાર કરી હવે ભારત ઉપર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. ટ્રમ્પના ટેરિફને પગલે મોરબીના સીરામીક ઉદ્યોગને સૌથી મોટી અસર પડે તેમ છે. હાલ મોરબીથી દર વર્ષે અંદાજે 1500 કરોડથી વધુની સીરામીક ટાઇલ્સ સહિતની પ્રોડ્કટની અમેરિકામાં નિકાસ થાય છે ત્યારે હવે 50 ટકા ટેરિફ અમલી બનાવવામાં આવતા અમેરિકી આયાતકારો ભારતને બદલે ઇટાલી અને સ્પેન તેમજ બ્રાજિલથી વધુ આયાત કરશે જેની સીઘી જ અસર મોરબીના સીરામીક ઉદ્યોગને પડશે.