અરજી મળતા એ ડિવિઝન પોલીસે નિવેદન લઈને કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી મોરબી : મોરબીમાં ગત રાત્રીના ઈશુદાન ગઢવીની સભામાં પ્રશ્ન પૂછવા મામલે એક વ્યક્તિને લાફો પડ્યો હતો. આ બનાવ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેવામાં હવે આ મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગત રાત્રીના પંચાસર રોડ ઉપર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જાહેર સભા સંબોધી હતી. આ સભામાં ભરતભાઇ ફૂલતરિયા નામના યુવકે પ્રશ્ન પૂછવાનું કહી માઈક મેળવ્યું હતું. બાદમાં તેઓ આકરા પ્રશ્ન પૂછવા લાગતા ત્યાં ઉભેલા એક વ્યક્તિએ માઈક છીનવી લેવાનો પ્રયાસ કરી ભરતભાઇને લાંફો ચોંટાડી દીધો હતો. આ ઘટનાનો વિડીયો પણ સામે આવતા સમગ્ર રાજ્યમાં વાયરલ થયો છે. આ દરમિયાન રાત્રીના દોઢેક વાગ્યે ભરતભાઇ દ્વારા એ ડિવિઝન પોલીસમાં લાંફો મારનાર સામે કાર્યવાહી કરવા અરજી આપી છે. એ ડિવિઝન પીઆઇ રાકેશ પટેલે જણાવ્યું કે મોડી રાત્રે અશ્વિનભાઈ નાગપરા નામના વ્યક્તિ વિરુદ્ધ લાંફો મારવા મામલે અરજી મળી છે. હવે ભરતભાઇનું નિવેદન લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.